ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીની આગેવાનીવાળી દક્ષિણપંથી પાર્ટી ‘બ્રધર્સ ઑફ ઈટાલી’એ સંસદમાં એક વિવાદાસ્પદ બિલ રજૂ કર્યું છે, જે દેશભરમાં સાર્વજનિક સ્થાન પર બુરખા અને નિકાબ જેવા ચહેરા ઢાંકવાવાળા પહેરવેશ પર સંપૂર્ણ પ્રતિબંધની જોગવાઈ છે. આ પગલું ‘ઇસ્લામી અલગતાવાદ’ અને ‘સાંસ્કૃતિક અલગતાવાદ’ને રોકવાના હેતુથી ઉઠાવવામાં આવ્યો છે. તેને મેલોની સરકારે ‘ધાર્મિક કટ્ટરવાદ’ સાથે જોડ્યું. આ હેઠળ ઉલ્લંઘન કરનારે 300થી 3,000 યૂરો (લગભગ 26,000થી 2.6 લાખ રૂપિયા) સુધીનો દંડ લાગી શકે છે.
આ બિલ 8 ઓક્ટોબરે સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં શાળા, યુનિવર્સિટી, દુકાન, ઓફિસ અને અન્ય તમામ સાર્વજનિક જગ્યાએ ચહેરાને સંપૂર્ણ રીતે ઢાંકતા કપડા પર રોક લગાવવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. પાર્ટીના ત્રણ સાંસદો દ્વારા આ પ્રસ્તાવનો હેતું ધાર્મિક કટ્ટરવાદ અને ધર્મ-પ્રેરિત ઘૃણાનો સામનો કરવાનું જણાવ્યું. મેલોની સરકારનો દાવો છે કે, આ પગલું ઈટાલીની સામાજિક એકજૂટતાને મજબૂત કરશે અને ‘સાંસ્કૃતિક અલગતાવાદ’ને જડમૂળમાંથી સમાપ્ત કરી દેશે.
ઈટાલીમાં પહેલાંથી જ 1975નો એક જૂનો કાયદો હાજર છે, જે સાર્વજનિક સ્થળે ચહેરાને ઢાંકવા પર રોક લગાવી છે. પરંતુ, તેમાં બુરખા અથવા નિકાબનો સ્પષ્ટપણે ઉલ્લેખ નથી કરતો. મેલોનીના ગઠબંધન લીગ પાર્ટીએ આ વર્ષની શરૂઆતમાં ચહેરો ઢાંકતા કપડાં પર કાયદાકીય પ્રતિબંધ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, હવે બ્રધર્સ ઑફ ઈટાલીએ તેને દેશવ્યાપી સ્તરે વિસ્તારવાનો નિર્ણય લીધો છે. બુરખા એક આખું શરીર ઢાંકનારૂ વસ્ત્ર છે, જેમાં આંખો પર ઝાળીદાર સ્ક્રીન જેવું કપડું હોય છે. જોકે, નિકાબ ચહેરાને ઢાંકે છે અને આંખોની આસપાસનો ભાગ ખુલ્લો રહે છે. મેલોની સરકારના મંત્રીએ કહ્યું કે, ‘આ બિલ ફ્રાન્સથી પ્રેરિત છે, જ્યાં 2011માં બુરખા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. અને ઈટાલીની ઓળખ અને એકતાની રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.’






