વડોદરા જિલ્લાના કરજણ નજીક આજે નેશનલ હાઇવે નંબર 8 પર લાકોદરા ગામ પાસે ગમખ્વાર
અકસ્માત સર્જાયો છે. બે ખાનગી લક્ઝરી બસો વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં બે મુસાફરોના કરૂણ મોત
નીપજ્યા છે, જ્યારે 10 જેટલા મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, નેશનલ હાઇવે નંબર 8 પર લાકોદરા નજીક એક ખાનગી બસ રોડની સાઈડમાં
પાર્ક કરેલી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય એક ખાનગી બસે પાર્ક કરેલી
બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને બસના આગળના ભાગનો કચ્ચરઘાણ
વળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે 10
જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ હાઇવે પરથી પસાર થતા
અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢ્યા હતા.
અકસ્માતની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો.
ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે
મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને
કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.