પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ માટે ભારતને દોષી ઠેરવ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ
મંત્રી ખ્વાજા આસિફે આરોપ લગાવ્યો છે કે, અફઘાનિસ્તાન ભારતનું ‘પ્રોક્સી યુદ્ધ’ લડી રહ્યું છે. જોકે,
ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. હાલમાં, બંને દેશો 48 કલાકના યુદ્ધવિરામ
માટે સંમત થયા છે. મીડિયા અહેવાલ અનુસાર, આસિફે આરોપ લગાવ્યો કે કાબુલને બદલે દિલ્હીમાં
નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તેમણે અફઘાન વિદેશ મંત્રી અને ભારત વચ્ચેની તાજેતરની બેઠક પર
પણ સવાલ ઉઠાવ્યા. આસિફે કહ્યું કે, તાલિબાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીની તાજેતરની છ
દિવસની ભારત મુલાકાત એક યોજના હતી.
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન
વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. 7 મેના દિવસે, ભારતીય સેનાએ પાકિસ્તાની ક્ષેત્રમાં આતંકવાદી
ઠેકાણાઓને નિશાન બનાવીને ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. જેના કારણે બંને દેશો વચ્ચે ચાર દિવસનો
સંઘર્ષ થયો, જે પાકિસ્તાનના પોલીસ મહાનિર્દેશક (DGMO)ની વિનંતી બાદ અટકાવી દેવામાં આવ્યો.
પાકિસ્તાને બુધવારે જણાવ્યું હતું કે, તે અફઘાનિસ્તાન સાથે 48 કલાકના યુદ્ધવિરામ માટે સંમત થયું છે,
આ નિર્ણય બંને દેશો વચ્ચે સરહદ પર થયેલી અથડામણો વચ્ચે આવ્યો છે જેમાં બંને બાજુએ ઘણા
લોકોના મોત નિપજ્યા છે.
વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું કે, ‘તાલિબાનની વિનંતી પર, પાકિસ્તાન સરકાર અને અફઘાનિસ્તાનના
તાલિબાન શાસન વચ્ચે બંને પક્ષોની પરસ્પર સંમતિથી આગામી 48 કલાક માટે કામચલાઉ
યુદ્ધવિરામનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે સાંજે 6 વાગ્યાથી અમલમાં આવશે.” જોકે, અફઘાન
સરકારના મુખ્ય પ્રવક્તા, ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાની પક્ષની વિનંતી અને આગ્રહ
પર, બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ સાંજે 5:30 વાગ્યા પછી અમલમાં આવશે.’