રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિને વેગ આપવા તથા જમીનની ઉપલબ્ધતા સુધારવાના મહત્ત્વપૂર્ણ નીતિગત નિર્ણયના ભાગરૂપે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકારે શહેરી વિકાસ સત્તામંડળો અને મહાનગરપાલિકાઓની મર્યાદામાં આવેલા ઔદ્યોગિક એકમો માટે 0.6 જેટલો વધારાની ફ્લોર સ્પેસ ઇન્ડેક્સને મંજૂરી આપી હતી.
નવી જોગવાઈ હેઠળ, ઔદ્યોગિક પાર્કના એકમોને હવે કુલ 1.6 FSI (હાલના મૂળભૂત 1.0 FSI અને વધારાની 0.6 એફએસઆઈ) મેળવવાનો અધિકાર રહેશે. આ વધારાની એફએસઆઈ માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા જંત્રી દર મુજબ ચાર્જ વસૂલ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ નિર્ણય ગુજરાત ઔદ્યોગિક નીતિ – 2020ના માળખા હેઠળ લેવામાં આવ્યો હતો. હવેથી, ડેવલપમેન્ટની મંજૂરી માંગતી વખતે, શહેરી વિકાસ સત્તામંડળો અને મહાનગરપાલિકા વિસ્તારોમાં આવેલા ઔદ્યોગિક પાર્કના લેઆઉટ પ્લાનમાં આ વધારાની એફએસઆઈનો સમાવેશ કરી શકાશે.
આ પહેલા જીઆઈડીસીમાં વધુ એફએસઆઈનો ઉપયોગ કરવાની મંજૂરી હતી. જ્યારે ઔડા, વુડા, અને સુડા જેવા શહેરી સત્તામંડળો હેઠળના ઔદ્યોગિક ઝોનમાં મહત્તમ એફએસઆઈની મર્યાદા 1.0 હતી, અને તેમાં ચાર્જેબલ એફએસઆઈ માટે કોઈ અવકાશ નહોતો. ઔદ્યોગિક સંગઠનો લાંબા સમયથી જીઆઈડીસી અને બિન-જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારો વચ્ચે સમાનતા લાવવાની માંગ કરી રહ્યા હતા. તેમની રજૂઆતોને ધ્યાનમાં લઈને, રાજ્ય સરકારે હવે શહેરી વિકાસ સત્તામંડળ અને મહાપાલિકાઓ હેઠળના ઔદ્યોગિક પાર્કને પણ સમાન એફએસઆઈ લાભો આપ્યા હતા, જેનાથી એક લાંબા સમયથી ચાલી આવતી વિસંગતતા દૂર થઈ હતી.સૂત્રોએ જણાવ્યું કે આ પગલું ઔદ્યોગિક વિસ્તરણને પ્રોત્સાહન આપશે, જમીનના કાર્યક્ષમ ઉપયોગને પ્રોત્સાહન આપશે અને શહેરી વિકાસ ઝોનમાં વધુ ઉદ્યોગોને આકર્ષશે. વધારાની એફએસઆઈથી વધુ મોટા અને સારી રીતે ડિઝાઇન કરાયેલા ઔદ્યોગિક લેઆઉટ શક્ય બનશે. જેનાથી રોજગારની વધુ તકો ઊભી થવાની અપેક્ષા છે.






