ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતાદળના સ્થાપક સંજય ગજેરાના નિવાસસ્થાને આજે વહેલી સવારથી ઈનકમ ટેક્સ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતા રાજકીય પક્ષોમાં હડકંપ મચી ગયો છે.નોંધાયેલા પરંતુ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની માતબર આવકને ધ્યાને લઈને આવકવેરા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું અનુમાન છે.
ગુજરાતમાં રજિસ્ટર્ડ, પરંતુ માન્યતા પ્રાપ્ત ન હોય તેવા રાજકીય પક્ષોની ઊંચી આવકને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. દેશના આવા ટોપ-10 કમાણી કરતા પક્ષોમાં ગુજરાતના પાંચ પક્ષોનો સમાવેશ થાય છે, જે પૈકી ભારતીય નેશનલ જનતા દળ રૂ. 957 કરોડની આવક સાથે ટોચ પર છે. આ જ પક્ષના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને બુધવારે (12 નવેમ્બર) વહેલી સવારે ઈન્કમ ટેક્સની ટીમે દરોડા પાડ્યા છે.સૌથી વધુ કમાણી કરનાર ‘ભારતીય નેશનલ જનતા દળ’ના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરા ગાંધીનગરના નિવાસ સ્થાને બુધવારે વહેલી સવારે ઇન્કમ ટેક્સના અધિકારીઓની પાંચ ગાડીઓ સાથેની ટીમે દરોડો પાડ્યો હતો. આ સિવાય, આઇટી ટીમે તેમની સેકટર-11, મેઘ મલ્હાર કોમ્પ્લેક્સ ખાતે આવેલી ઓફિસ અને ડ્રાઇવરના ગ્રીન સિટીના મકાને પણ દરોડો પાડ્યો હતો. હાલમાં સંજય ગજેરાના ઘરે આઇટીની ટીમ દ્વારા દસ્તાવેજો, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવાઓની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.





