દક્ષિણ શ્રીનગરના નૌગામ પાલીસ સ્ટેશનમાં શુક્રવારે રાત્રે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને તેનો અવાજ અનેક કિલોમીટર દૂર સંભળાયો હતો. ઈમારતનો એક હિસ્સો ધરાશાયી થયો હતો. તેમજ પરિસરમાં પડેલા વાહનોમાં આગ લાગી હતી. ઘણા માનવ અંગો ૩૦૦ ફૂટ દૂર ફંગોળાઈને પડ્યા હતા. શુક્રવારે રાતે આશરે ૧૧:૨૨ કલાકે આ થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૯ લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. ૨૭ ઘાયલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ઘણાની હાલત અતિ ગંભીર છે. કાટમાળમાં હજુ પણ અનેક લોકો દટાયા હોવાની આશંકા છે.
પ્રારંભિક અહેવાલોમાં તેને “મોટો વિસ્ફોટ” ગણાવવામાં આવ્યો હતો, પરંતુ જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તે આતંકવાદી હુમલો નહીં પણ એક આકસ્મિક વિસ્ફોટ હતો. આ ઘટના નિયમિત નિરીક્ષણ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ, સ્થાનિક પોલીસ કર્મચારીઓ અને એક મહેસૂલ અધિકારીની સહભાગિતાવાળી ટીમની સેમ્પલિંગ પ્રક્રિયા દરમિયાન થઈ હતી.
ઘટનાસ્થળના વીડિયોમાં પોલીસ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં વ્યાપક તબાહી જોવા મળી રહી છે. પોલીસ કારો સહિત અનેક વાહનો આગમાં બળીને રાખ થઈ ગયા હતા, અને કાટમાળ દૂર દૂર સુધી ફેલાયેલો હતો. વિસ્ફોટના કારણે આસપાસના ઘરો અને ઇમારતોની બારીઓના કાચ તૂટી ગયા હતા. જેમાં રાવાલપોરા જેવા પડોશી વિસ્તારો પણ સામેલ છે.
પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી એમોનિયમ નાઈટ્રેટ-આધારિત વિસ્ફોટક સામગ્રીના મોટા જથ્થાની સેમ્પિલ પ્રક્રિયા દરમિયાન આ વિસ્ફોટ થયો હોવાનું જણાવાયું હતું. આ સામગ્રી નવેમ્બરની શરૂઆતમાં જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદી મોડ્યુલની તપાસના ભાગરૂપે જપ્ત કરવામાં આવી હતી. આ મોડ્યુલ, જેમાં ડૉક્ટર અને મૌલવી જેવા કટ્ટરપંથી વ્યાવસાયિકો સામેલ હતા.
જમ્મુ અને કાશ્મીરના નૌગામમાં એક પોલીસ સ્ટેશનની અંદર થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટના અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. સરકારે જણાવ્યું હતું કે હરિયાણાના ફરીદાબાદમાંથી મળેલા વિસ્ફોટકોના નમૂનાઓનું ફોરેન્સિક પરીક્ષણ કરવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે વિસ્ફોટ આકસ્મિક રીતે થયો હતો. વિસ્ફોટના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
બ્લાસ્ટની ઘટના માત્ર આકસ્મિક બનાવ : ડીજીપી

જમ્મુ અને કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાતે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા ભીષણ વિસ્ફોટ અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ વિસ્ફોટ કોઈ આતંકવાદી ષડયંત્ર કે હુમલો નહોતો, પરંતુ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમ દ્વારા જપ્ત કરાયેલા વિસ્ફોટકોના સેમ્પલ લેવાની પ્રક્રિયા દરમિયાન થયેલો એક “દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત” હતો.






