ભારતમાં આશરો લઈ રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને બાંગ્લાદેશની ‘કંગારૂ કોર્ટ’ દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવાયા બાદ દેશમાં હિંસા ફાટી નીકળી છે, જેના કારણે રાતભર તણાવપૂર્ણ સ્થિતિ રહી. હિંસામાં અત્યાર સુધીમાં બેનાં મોત અને ડઝનબંધ ઘાયલ થયા છે. આ ઉપરાંત, શેખ હસીનાને મોતની સજા સંભળાવ્યા બાદ કેટલાક લોકો મીઠાઈ વહેંચી રહ્યા હતા, ત્યારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ લડાઈમાં એક વ્યક્તિનું મોત થયું અને ઘણા લોકો ઘાયલ થયા.
દેશભરમાં તંગદિલીભરી સ્થિતિ પ્રવર્તી રહી છે. કોટલીપારામાં બોમ્બ ધમાકો થતાં ત્રણ પોલીસ જવાનો ઘાયલ થયા હતા. સુરક્ષા એજન્સીઓએ, પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર્રહમાનના રાજધાનીમાં આવેલા ઘરને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ દરમિયાન, પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસ છોડવા પડ્યા હતા. અહેવાલ મુજબ, લાઠીચાર્જ અને પથ્થરમારાની અથડામણોમાં ઘણા પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.શેખ હસીના પર 2024માં થયેલા છાત્રોના આંદોલન પર ઘાતક કાર્યવાહી કરવાનો આરોપ છે. જોકે, હસીનાએ આ કેસને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યો છે. ઑગસ્ટ 2024માં બાંગ્લાદેશથી ભાગ્યા બાદ તેઓ દિલ્હીમાં નિર્વાસનમાં રહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 15 જુલાઈથી 5 ઑગસ્ટ વચ્ચે થયેલા સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, 1400 લોકો માર્યા ગયા હતા. આ હિંસાને 1971ના સ્વતંત્રતા સંગ્રામ બાદની સૌથી ભીષણ રાજકીય હિંસા માનવામાં આવે છે, જેણે બાંગ્લાદેશના ટેક્સટાઇલ ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.





