દિલ્હીની એક ખાસ PMLA કોર્ટે અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદ અહેમદ સિદ્દીકીને 13 દિવસના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કસ્ટડીમાં મોકલ્યા છે. તેમને રાત્રે 11:00 વાગ્યે સાકેત કોર્ટના એડિશનલ સેશન્સ જજ શીતલ ચૌધરી પ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
દિલ્હીની એક ખાસ કોર્ટે અલ-ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ અહેમદ સિદ્દીકીને 13 દિવસના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કસ્ટડીમાં મોકલ્યા છે. એડિશનલ સેશન્સ જજ શીતલ ચૌધરી પ્રધાને મધ્યરાત્રિ પછી તેમના ચેમ્બરમાં સુનાવણી બાદ આ આદેશ આપ્યો હતો.
અલ-ફલાહ યુનિવર્સિટીના સ્થાપકને રાત્રે 11:00 વાગ્યે સાકેત કોર્ટના એડિશનલ સેશન્સ જજ શીતલ ચૌધરી પ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. રિમાન્ડ ઓર્ડરમાં કોર્ટે જણાવ્યું હતું કે સિદ્દીકીને અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત ભંડોળના ટ્રાન્સફર સંબંધિત મોટા પાયે છેતરપિંડી, ખોટા માન્યતા દાવા અને મની લોન્ડરિંગના ગુનામાં દોષિત ઠેરવવા માટે પૂરતા આધારો છે.
EDએ 18 નવેમ્બર, 2025 ના રોજ મોડી રાત્રે PMLA ની કલમ 19 હેઠળ સિદ્દીકીની ધરપકડ કરી હતી. એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે તપાસ તેના પ્રારંભિક તબક્કામાં છે અને ગુના સાથે વધુ કડીઓ શોધવા, ગુનાહિત રીતે મેળવેલી સંપત્તિનો નાશ અટકાવવા અને સાક્ષીઓ પર દબાણ લાવવા અથવા પુરાવાનો નાશ કરવાની શક્યતાને દૂર કરવા માટે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.
યુનિવર્સિટીએ ખોટી રીતે મેળવી 415.10 કરોડની આવક
કોર્ટમાં રજૂ કરાયેલા નાણાકીય વિશ્લેષણ મુજબ, અલ-ફલાહ સંસ્થાએ નાણાકીય વર્ષ 2018-19 અને 2024-25 વચ્ચે ટ્યુશન ફી અને અન્ય પ્રકારની આવકમાંથી આશરે ₹415.10 કરોડની આવક મેળવી હતી. EDનો દાવો છે કે આ રકમ ગુનાની આવક છે, કારણ કે આ સમયગાળા દરમિયાન યુનિવર્સિટીએ તેની માન્યતા અને કાનૂની સ્થિતિને લોકો સમક્ષ ખોટી રીતે રજૂ કરી હતી.






