ભારતીય શેરબજારમાં આજે ખુલતાની સાથે ભારે કડાકો બોલ્યો છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં એક જ ઝાટકે રૂ.3.50 લાખ કરોડનું જંગી નુકસાન થયું છે.
આજે સવારે સેન્સેક્સ 380 પોઈન્ટના ઘટાડા સાથે 85,250 પર અને નિફ્ટી 120 પોઈન્ટના ઘટાડા સાથે 26,072 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી બેંકમાં 430 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.આ મોટા ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકાથી આવેલા જોબ ડેટાના મજબૂત આંકડા છે.
અમેરિકાના મજબૂત જોબ ડેટાને કારણે હવે ડિસેમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે તેવી અપેક્ષાઓ લગભગ સમાપ્ત થઈ ગઈ છે. વ્યાજદરમાં ઘટાડો ન થવાની આશંકાથી, ગુરુવારે રાત્રે અમેરિકી બજારો ભારે ઘટાડા સાથે બંધ થયા. નેસ્ડેક 2.15%, એસએન્ડપી 500 1.56% અને ડાઉ જોન્સ 0.84% ઘટ્યા હતા. અમેરિકન બજારના ઘટાડાની અસર આજે સવારે એશિયન બજારો પર જોવા મળી, જ્યાં દક્ષિણ કોરિયાનો કોસ્પી 3% અને જાપાનનો નિક્કેઈ 2% થી વધુ તૂટ્યો. આ વૈશ્વિક વેચવાલીના દબાણને કારણે ભારતીય બજાર પણ ધરાશાયી થયું.
આજના ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. 20 નવેમ્બરે બીએસઈનું માર્કેટ કેપિટલાઇઝેશન 476.41 લાખ કરોડ રૂપિયા હતું, જે આજે ઘટીને 473 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. એટલે કે, રોકાણકારોની સંપત્તિમાં લગભગ 3.50 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. બજારની સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બીએસઈ પર 2,531 શેર ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા, જ્યારે માત્ર 1,160 શેરોમાં જ તેજી જોવા મળી હતી. 133 શેરોમાં લોઅર સર્કિટ લાગી હતી.



