૨૬ નવેમ્બરના રોજ દેશભરમાં બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. આજે, બંધારણ દિવસના ખાસ
પ્રસંગે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે બંધારણ પ્રત્યેના
તેમના આદરના અનુભવો વ્યક્ત કર્યા છે. તેમણે લખ્યું કે, ૨૦૧૫માં સરકારે આ પવિત્ર દસ્તાવેજનું
સન્માન કરવા માટે ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો હતો. તેમણે બંધારણ પ્રત્યે પોતાનો
આદર વ્યક્ત કર્યો હતો અને તેમના રાજકીય જીવનના અનુભવો શેર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે
બંધારણની શક્તિએ તેમને, એક સાધારણ પૃષ્ઠભૂમિના માણસને, લાંબા સમય સુધી સરકારનું નેતૃત્વ
કરવાની તક આપી છે.
પત્રમાં તેમની રાજકીય સફર વિશે પીએમ મોદીએ કહ્યું, “આપણા બંધારણની શક્તિએ જ મારા જેવા
માણસને, જે એક સાધારણ અને આર્થિક રીતે પછાત પરિવારમાંથી આવે છે, સતત લાંબા સમય સુધી
સરકારના વડા બનવા સક્ષમ બનાવ્યો છે. મને હજુ પણ વર્ષ ૨૦૧૪ની તે ક્ષણ યાદ છે, જ્યારે હું
પહેલીવાર સંસદમાં આવ્યો હતો અને લોકશાહીના સૌથી મહાન મંદિરના પગથિયાં સ્પર્શવા માટે માથું
નમાવ્યું હતું.”





