ભારતીય શેરબજારે આજે ઇતિહાસ રચી દીધો છે. લગભગ 14 મહિનાની લાંબી રાહ જોયા બાદ, નિફ્ટી 50 ઇન્ડેક્સ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરને પાર કરી ગયો છે, જેના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. બજારમાં આવેલી આ તેજીને પગલે રોકાણકારોની સંપત્તિમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.BSEના ટોપ 30 શેરોમાંથી 19 શેરોમાં તેજી જોવા મળી રહી છે, જ્યારે 11 શેરો ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેર ટોપ પર્ફોર્મર રહ્યા છે, જ્યારે ઝોમેટો અને કોટક મહિન્દ્રા બેન્કના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સેક્ટરની વાત કરીએ તો, પીએસયુ બેંક, કન્ઝ્યુમર્સ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરને બાદ કરતાં બાકીના તમામ સેક્ટરમાં સારી ખરીદી જોવા મળી રહી છે.ગણેશ હાઉસિંગ અને પટેલ એન્જિનિયરિંગના શેરમાં 10%થી વધુનો ઉછાળો છે.
ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) અને જિલેટ ઈન્ડિયાના શેરમાં 5%ની તેજી છે.તેજસ નેટવર્ક્સ 4%થી વધુ, જ્યારે સ્વાન કોર્પોરેશન 2% વધ્યો છે.આ સિવાય ટાટા પાવર, બજાજ ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સના શેરમાં 1.5%નો ઉછાળો જોવા મળી રહ્યો છે.બીએસઈ પર કુલ 3,321 શેરોમાંથી 1,853 શેરો તેજી સાથે અને 1,262 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. 85 શેરોમાં અપર સર્કિટ લાગી છે, જ્યારે 60 શેરોમાં લોઅર સર્કિટ લાગી છે. 60 શેરોએ તેમની 52-સપ્તાહની નવી ટોચ બનાવી છે.
આજે સવારના કારોબારમાં નિફ્ટી લગભગ 90 પોઈન્ટના ઉછાળા સાથે 26,295.55ની નવી ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો હતો. આ પહેલા, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નિફ્ટીએ 26,277.35નો ઓલ-ટાઇમ હાઈ બનાવ્યો હતો, જેની નીચે તે છેલ્લા 14 મહિનાથી ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, સેન્સેક્સ હજુ તેના રેકોર્ડ હાઈથી થોડો દૂર છે. સેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથે 85,912.94 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે તેનો ઓલ-ટાઇમ હાઈ 85,978.25 છે.






