હવામાન વિભાગે સાયક્લોન ‘દિત્વા’ ના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને દક્ષિણ ભારતના ઘણા રાજ્યો માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને રાયલસીમા વિસ્તારોમાં ૧ ડિસેમ્બર સુધીમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગની ચેતવણી મુજબ, તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ‘અતિભારે વરસાદ’ની સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે દક્ષિણ આંધ્ર પ્રદેશ અને રાયલસીમામાં ૩૦ નવેમ્બરના રોજ પણ ગંભીર વરસાદની આગાહી છે. ઉલ્લેખનીય છે કે, હવામાનની આ વ્યાપક અસર નબળા પડી ગયેલા સાયક્લોન ‘સેન્યાર’ અને નવા સાયક્લોન ‘દિત્વા’ની સંયુક્ત અસરથી ઉત્પન્ન થઈ રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોન ‘દિત્વા’ બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક ડિપ્રેશન તરીકે રચાયું છે અને તે સતત ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે.હાલમાં આ વાવાઝોડું શ્રીલંકા નજીક કેન્દ્રિત છે, અને તે ૩૦ નવેમ્બરની શરૂઆત સુધીમાં ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકિનારા નજીક પહોંચે તેવી સંભાવના છે. આ વાવાઝોડાને કારણે કેરળમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ કર્ણાટકમાં 29 નવેમ્બરના રોજ અને તેલંગાણામાં 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે તમિલનાડુ, કેરળ, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને અંદમાન નિકોબાર દ્વીપસમૂહમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે, સાથે જ અંદમાન વિસ્તારમાં 30-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાના સંકેતો આપ્યા છે.
બીજી તરફ, થોડા દિવસો પહેલા સક્રિય થયેલું સાયક્લોન ‘સેન્યાર’ હવે ઘણું નબળું પડી ગયું છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ‘દિત્વા’ અને સતત નબળા પડી રહેલા ‘સેન્યાર’ની સંયુક્ત અસરથી જ દક્ષિણ ભારતના આ રાજ્યોમાં વ્યાપક વરસાદની સ્થિતિ ઊભી થશે. હવામાનની આ ગંભીર પરિસ્થિતિને જોતાં પ્રી-સાયક્લોન એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે, જેથી સંબંધિત રાજ્ય સરકારો સમયસર જરૂરી સુરક્ષા પગલાં લઈ શકે.





