જાપાનની રાજધાની ટોક્યો પાસે રહેલો દુનિયાના સૌથી મોટા શહેરનો તાજ હવે ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાએ છીનવી લીધો છે. ૪.૨ કરોડની અંદાજિત વસ્તી સાથે જકાર્તા હવે પ્રથમ ક્રમે છે, જ્યારે બાંગ્લાદેશનું ઢાકા ૩.૬૬ કરોડની વસ્તી સાથે બીજા ક્રમે પહોંચ્યું છે.સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના રિપોર્ટ ‘વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ ૨૦૨૫’ એ વૈશ્વિક શહેરીકરણની એક નવી તસવીર રજૂ કરી છે, જેમાં ઇમારતોના સમૂહમાંથી માનવ સભ્યતાનું ધબકાર બની ચૂકેલાં શહેરોના બદલાતા સમીકરણો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.આ રિપોર્ટ એશિયામાં થઈ રહેલા તીવ્ર શહેરીકરણની લહેરનો પુરાવો આપે છે. ૨૦૨૫માં દુનિયાની ૮.૨ અબજ વસ્તીમાંથી ૮૦ ટકા લોકો શહેરોમાં રહેતા હોવાનું અને એક કરોડથી વધુ વસ્તી ધરાવતા મેગાસિટીઝની સંખ્યા ૨૯૭૫ ની સંખ્યા ૮ થી વધીને ૩૩ થઈ ગઈ છે, જે પૈકી ૧૯ શહેરો એકલા એશિયામાં આવેલા છે.
‘વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ ૨૦૨૫’ ના રિપોર્ટ અનુસાર, વિશ્વના ૧૦ સૌથી મોટા શહેરી સમૂહોમાં એશિયાનું સ્પષ્ટ વર્ચસ્વ છે, જેમાં ૦૯ શહેરો એશિયાના છે અને ૦૧ શહેર આફ્રિકાનું છે. ભારતની રાજધાની નવી દિલ્હી ૩.૦૨ કરોડની વસ્તી સાથે ચોથા સ્થાને છે અને કોલકાતા ૨.૨૫ કરોડની વસ્તી સાથે આઠમાં સ્થાને છે. રિપોર્ટ દર્શાવે છે કે, ૨૯૫૦ માં ટોક્યો પ્રથમ ક્રમે હતું, પરંતુ હવે જકાર્તા ૪૧.૯ મિલિયન, ઢાકા ૩૬.૬ મિલિયન અને ટોક્યો ૩૩.૪ મિલિયન વસતી સાથે મોખરે છે.
જાવા ટાપુ પર આવેલી આ રાજધાની આઝાદી પછી ઝડપી આર્થિક વિકાસ અને ગ્રામીણ-શહેરી સ્થળાંતરને કારણે મેગાસિટી બન્યું છે. ૨૦૨૫ માં ૪.૧૯ કરોડની વસ્તી સાથે, તે એક નવું વૈશ્વિક કેન્દ્ર બન્યું છે, જોકે તે જળવાયુ પરિવર્તન અને પૂર જેવા પડકારોનો પણ સામનો કરી રહ્યું છે. ૩.૬૬ કરોડ વસ્તી સાથે બીજા ક્રમે આવેલું ઢાકા બાંગ્લાદેશના આર્થિક કેન્દ્રીકરણને દર્શાવે છે. આ શહેર કાપડ ઉદ્યોગ અને સ્થળાંતરનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. નિષ્ણાતોના મતે, ૨૦૫૦ સુધીમાં ઢાકા વિશ્વનું સૌથી મોટું શહેર બની શકે છે, જેની વસ્તી ૦૫ કરોડથી વધુ હશે.




