ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડએ દેશની સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાની જાસૂસોને પૂરી પાડતા બે વ્યક્તિની ધરપકડ કરીને જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા બંને જાસૂસોમાં એક મહિલા અને એક પૂર્વ આર્મી જવાનનો સમાવેશ થાય છે.ગુજરાત એટીએસ હવે આ નેટવર્કના અન્ય લોકો સુધી પહોંચવા અને તેમણે અત્યાર સુધીમાં કેટલી અને કઈ કઈ સંવેદનશીલ માહિતી લીક કરી છે તે જાણવા માટે તપાસ કરી રહી છે.
ગુજરાત એટીએસ દ્વારા આ ઓપરેશનમાં દમણ અને ગોવા એમ બે અલગ-અલગ સ્થળોએથી બે જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે. રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા જાસૂસની ગુજરાત એટીએસ દ્વારા દમણમાંથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજો આરોપી એ.કે. સિંહ, જે ભારતીય આર્મીમાં સુબેદાર તરીકે ફરજ બજાવતો હતો તેની ગોવામાંથી ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ પાકિસ્તાનની જાસૂસી સંસ્થાઓના સંપર્કમાં હતા અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. પૂર્વ આર્મી સુબેદાર એ.કે. સિંહ પર પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવા માટે મદદ કરવાનો ગંભીર આક્ષેપ છે. બંને જાસૂસ દેશના સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરીને ગુપ્ત માહિતી લીક કરતા હોવાનું સામે આવ્યું છે.





