મંદિરમાં ભગવાનને ચઢાવવામાં આવતા રૂપિયા તેમના જ છે અને આ નાણાં સહકારી બેન્કોને બેઠી કરવા માટે વાપરી શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું. કેરળના થિરુનેલી મંદિર દેવસ્વોમના કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આપેલો આ ચુકાદો દેશભરમાં મંદિરો અને ધાર્મિક સ્થળોના નાણાંના સંચાલન તથા સુરક્ષિત રોકાણ માટે મહત્વનો દાખલો બની શકે છે.મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બેન્ચે શુક્રવારે કેરળના થિરુનેલી મંદિર દેવસ્વોમ મંદિરની એફડીને પાછી આપવાના કેસની સુનાવણી કરી હતી. કેટલીક સહકારી બેન્કોએ કેરળ હાઈકોર્ટના મંદિરને તેની એફડી પાછી આપવાના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સવાલ કર્યો કે, તમે મંદિરના રૂપિયાનો ઉપયોગ કરીને બેન્કોને બચાવવા માગો છો? મંદિરના રૂપિયાનો ઉપયોગ માંડ ચાલી રહેલી સહકારી બેન્કોમાં રાખવાના બદલે વધુ વ્યાજ આપતી રાષ્ટ્રીકૃત બેન્કમાં રાખવાનો આદેશ આપવામાં ખોટું શું છે? તેમણે કહ્યું કે, મંદિરના રૂપિયા દેવતાના છે. તેથી, આ રૂપિયાનો ઉપયોગ માત્ર મંદિરના હિતો બચાવવા સુરક્ષિત રીતે કરવો જોઈએ. આ રૂપિયા માંદી પડેલી સહકરી બેન્કો માટે આવક વધારવા અથવા તેમના ગુજરાન ચલાવવાના સ્રોત તરીકે કરી શકાય નહીં.
મનંતવાડી સહકારી ઓપરેટિવ અર્બન સોસાયટી લિમિટેડ અને થિરુનેલી સર્વિસ સહકારી બેન્ક લિ.એ કેરળ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કેરળ હાઈકોર્ટે પાંચ સહકારી બેન્કોને દેવાસ્વોમની ફિક્સ્ડ ડીપોઝિટ બંધ કરવા અને બે મહિનાની અંદર સંપૂર્ણ રકમ પાછી કરવા નિર્દેશ આપ્યા હતા, કારણ કે બેન્કોએ મેચ્યોર ડિપોઝીટના નાણાં આપવાનો વારંવાર ઈનકાર કરી દીધો હતો. કેરળ હાઈકોર્ટે અચાનક આપેલા નિર્દેશોથી મુશ્કેલી પડી રહી હોવાની સહકારી બેન્કોની દલીલ સુપ્રીમ કોર્ટની બેન્ચે સ્વીકારી નહોતી.



