અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે રાષ્ટ્રીય સુરક્ષા અને વેઇટિંગ પ્રક્રિયામાં રહેલી ખામીઓનો હવાલો આપીને ૦૭ દેશો સામે અમેરિકામાં પ્રવેશ પર લાગેલા યાત્રા પ્રતિબંધોનો વિસ્તાર કર્યો છે. આ નિર્ણય તેમના પહેલા કાર્યકાળની કડક નીતિઓને પુનઃસ્થાપિત કરવાનો એક ભાગ છે અને તાજેતરની સુરક્ષા ઘટનાઓ બાદ લેવામાં આવ્યો છે.
સંપૂર્ણ યાત્રા પ્રતિબંધ લાદવામાં આવેલા અન્ય દેશોમાં આફ્રિકાના કેટલાક ગરીબ દેશો — બુર્કિના ફાસો, માલી, નાઇજર, સિયેરા લિયોન અને દક્ષિણ સુદાન — તેમજ દક્ષિણપૂર્વ એશિયાનો લાઓસ પણ સામેલ છે. આ ઉપરાંત, ટ્રમ્પ પ્રશાસને પેલેસ્ટાઈની રાજ્યને માન્યતા આપવા બદલ ફ્રાન્સ અને બ્રિટન સહિતના પશ્ચિમી દેશોની વિરુદ્ધ ઇઝરાયેલ સાથે એકતા દર્શાવતા અનૌપચારિક રીતે પેલેસ્ટાઈની ઓથોરિટી પાસપોર્ટ ધારકોની યાત્રા પર પણ પ્રતિબંધોનો વિસ્તાર કર્યો છે.વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ એવા વિદેશીઓને અમેરિકામાં પ્રવેશતા રોકવા માટે છે જેઓ “આપણી સંસ્કૃતિ, સરકાર, સંસ્થાઓ અથવા સ્થાપક સિદ્ધાંતોને નબળા પાડી શકે છે અથવા અસ્થિર કરી શકે છે.વ્હાઇટ હાઉસે વધુમાં જણાવ્યું કે નવા પગલાંની શ્રેણીમાં, ટ્રમ્પ અન્ય આફ્રિકન દેશોના નાગરિકો પર પણ આંશિક યાત્રા પ્રતિબંધો લાદી રહ્યા છે, જેમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ નાઇજીરીયા તેમજ અશ્વેત બહુલ કેરેબિયન દેશોનો સમાવેશ થાય છે.
આ પગલું સીરિયામાં બે અમેરિકન સૈનિકો અને એક નાગરિકના મૃત્યુના થોડા દિવસો બાદ લેવામાં આવ્યું છે. સીરિયન અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલાખોર સુરક્ષા દળોનો એક સભ્ય હતો જેને “આત્યંતિક ઇસ્લામિક વિચારો” ને કારણે બરતરફ કરવાનો હતો. ટ્રમ્પ પ્રશાસને જણાવ્યું કે જે વિદેશીઓ અમેરિકનોને “ધમકાવવાનો ઇરાદો ધરાવે છે” તેમના પર પ્રતિબંધ લગાવવાની દિશામાં આ પગલું લેવામાં આવ્યું છે.





