રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા સંઘર્ષે વચ્ચે ભયાનક સ્થિતિ ઉભી થઈ છે. નાટોના મહાસચિવ માર્ક રુટ્ટેએ તાજેતરમાં આપેલા એક નિવેદન બાદ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન લાલઘૂમ થયા છે અને તેમણે પશ્ચિમી દેશોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. રુટ્ટેએ યુરોપિયન દેશોને બીજા વિશ્વ યુદ્ધ જેવા મોટા યુદ્ધ માટે તૈયાર રહેવાની સલાહ આપતા જ રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ વધ્યો છે.
નાટો ચીફના નિવેદન પર પ્રતિક્રિયા આપતા રાષ્ટ્રપ્રમુખ પુતિને પશ્ચિમી નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. પુતિને કહ્યું કે, ‘યુરોપના નાગરિકોના મનમાં રશિયા પ્રત્યે ડર પેદા કરવો તે પશ્ચિમી નેતાઓનો એક ઉન્માદ અને સંપૂર્ણ જુઠ્ઠાણું છે. રશિયા તરફથી યુરોપિયન દેશો પર કોઈ કાલ્પનિક ખતરો હોવાની વાત તદ્દન બકવાસ છે. પશ્ચિમી નેતાઓ જાણીજોઈને રશિયા વિરુદ્ધ ડર ફેલાવી રહ્યા છે જેથી તેઓ પોતાની જનતાનું ધ્યાન અન્ય મુદ્દાઓ પરથી ભટકાવી શકે.પુતિને પશ્ચિમી દેશોની સાથે સાથે યુક્રેનને પણ આકરી ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે, જો યુક્રેન અને તેના વિદેશી મિત્રો શાંતિ વાટાઘાટોમાં જોડાવાનો ઈનકાર કરશે અથવા જો વાટાઘાટો નિષ્ફળ જશે, તો રશિયા તેના સૈન્ય બળનો ઉપયોગ કરીને તે તમામ વિસ્તારોને પોતાના અંકુશમાં લઈ લેશે જેના પર તે દાવો કરે છે. નોંધનીય છે કે, રશિયા હાલમાં યુક્રેનના 19 ટકાથી વધુ હિસ્સા પર પોતાનું નિયંત્રણ હોવાનો દાવો કરી રહ્યું છે અને તે ડોનબાસ ક્ષેત્રના બાકીના હિસ્સાને પણ છોડવા તૈયાર નથી.
બર્લિનમાં આપેલા ભાષણમાં માર્ક રુટ્ટેએ કહ્યું હતું કે,નાટોના સહયોગી દેશો રશિયાના ખતરાની ગંભીરતાને હજુ પણ સમજી રહ્યા નથી. હવે આગામી સમયમાં આપણે રશિયાના નિશાન પર છીએ. મને ડર છે કે, ઘણા લોકો આત્મસંતુષ્ટ છે. ઘણા લોકો સ્થિતિને ગંભીરતાથી લેતા નથી. કેટલાક લોકો માને છે કે, સમય આપણા પક્ષમાં છે, પરંતુ આવું નથી, હવે કાર્યવાહી કરાવનો સમય આવી ગયો છે. સંઘર્ષ આપણા દરવાજે આવી ગયું છે. રશિયાએ યુરોપમાં યુદ્ધ પાછું લાવી દીધું છે, તેથી આપણે તૈયાર રહેવું જોઈએ. યુરોપિયન દેશોએ સંરક્ષણ પાછળનો ખર્ચ વધારવો જોઈએ અને હથિયારોનું ઉત્પાદન પણ ઝડપી વધારવું જોઈએ. નાટોએ તે મોટા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ, જેનો સામનો આપણા દાદા-દાદી અથવા પરદાદા-પરદાદીએ કર્યો હતો.






