આસામના હોજાઈ જિલ્લામાં ટ્રેન અકસ્માતમાં પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. સદનસીબે, આ
અકસ્માતમાં કોઈ મુસાફરોને ઈજા થઈ નથી. જોકે, આ અકસ્માતમાં આઠ હાથીઓનું મોત થયું છે. વન
અધિકારીએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે આસામના હોજાઈ જિલ્લામાં સાઈરંગ-નવી દિલ્હી
રાજધાની એક્સપ્રેસ સાથે અથડાતાં એક ટોળાના આઠ હાથીઓનું મોત થયું હતું અને એક ઘાયલ થયો
હતો. નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં પાંચ ડબ્બા અને ટ્રેનનું એન્જિન
પાટા પરથી ઉતરી ગયું હતું, જોકે કોઈ મુસાફરોને ઈજા થઈ નથી.
રેલ્વે પ્રવક્તાએ જણાવ્યું હતું કે નવી દિલ્હી જતી ટ્રેન સાથેનો અકસ્માત લગભગ 2:17 વાગ્યે થયો હતો.
નાગાંવ વિભાગીય વન અધિકારી સુહાસ કદમે જણાવ્યું હતું કે આ ઘટના હોજાઈ જિલ્લાના ચાંગજુરાઈ
વિસ્તારમાં બની હતી. કદમ અને અન્ય વન અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે જણાવ્યું
હતું કે અસરગ્રસ્ત જમુનામુખ-કાનપુર સેક્શનમાંથી પસાર થતી ટ્રેનોને બીજી લાઇન પર વાળવામાં આવી
છે. હાલમાં લાઇન પર સમારકામનું કામ ચાલી રહ્યું છે. સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ
મિઝોરમમાં સૈરંગ (આઈઝોલ નજીક) ને આનંદ વિહાર ટર્મિનલ (દિલ્હી) સાથે જોડે છે.






