નવા વર્ષની શરૂઆત સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. આ પંચની જોગવાઈઓ આજથી એટલે કે 1 જાન્યુઆરી, 2026થી લાગુ ગણાશે. જોકે, તેનો વાસ્તવિક લાભ મળતા થોડો સમય લાગી શકે છે. આ નિર્ણયથી દેશના અંદાજે 50 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ નિવૃત્ત પેન્શનરોને સીધો ફાયદો થશે.
8મા પગાર પંચના અમલીકરણ બાદ કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનમાં મોટો ફેરફાર જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અને નિષ્ણાતોના મતે, જો ‘ફિટમેન્ટ ફેક્ટર’ના આધારે ગણતરી કરવામાં આવે, તો લઘુત્તમ બેઝિક સેલેરી 18,000થી વધીને સીધી 51,480 સુધી પહોંચી શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.15 રાખવામાં આવે જેને અત્યારના સંજોગોમાં નિષ્ણાતો યોગ્ય માની રહ્યા છે), તો તે મુજબ બેઝિક સેલેરીમાં આટલો વધારો થઈ શકે છે.8મા પગાર પંચની ભલામણો સત્તાવાર રીતે 1 જાન્યુઆરી, 2026થી લાગુ ગણવામાં આવશે, પરંતુ તેના અંતિમ રિપોર્ટ અને વાસ્તવિક અમલીકરણમાં થોડો વિલંબ થવાની શક્યતા છે. નિષ્ણાતોના મતે, પગાર પંચને તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને સોંપવા માટે સામાન્ય રીતે 18 મહિના જેટલો સમય આપવામાં આવતો હોય છે, જેના કારણે નવી પગાર મર્યાદાની અંતિમ જાહેરાત 2026ના અંતમાં અથવા 2027ની શરૂઆતમાં થઈ શકે છે. જોકે, કર્મચારીઓએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે નિયમ મુજબ તેમને 1 જાન્યુઆરી, 2026થી લઈને અમલીકરણની વાસ્તવિક તારીખ સુધીનો તફાવત એટલે કે એરિયર્સ (બાકી રકમ) એકસાથે ચૂકવવામાં આવશે.





