અમેરિકાની વેનેઝુએલા પરની કાર્યવાહી બાદ હાલ તમામ સત્તાઓ ડેલ્સી રોડ્રિગેજના હાથમાં છે. ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેજને હાલ કાર્યવાહક રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. જેવો તેમણે પદભાર સંભાળ્યો કે તરત જ અમેરિકી રાષ્ટ્રપતિએ તેમને ચેતવણી જાહેર કરી દિધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક અખબાર સાથે વાત કરતા કહ્યું હતું કે, જો વેનેઝુએલા માટે યોગ્ય પગલાં નહીં ભરે, તો તેમને માદુરો કરતાં પણ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.
એક મેગેઝિનને આપેલા ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો રોડ્રિગેઝ વેનેઝુએલા માટે યોગ્ય પગલાં નહીં ભરે, તો તેમને માદુરો કરતાં પણ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ શનિવારે ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથેની વાતચીતમાં રોડ્રિગેઝ અમેરિકાના સૂચવેલા સુધારાઓ માટે તૈયાર છે. પરંતુ, રોડ્રિગેઝે જાહેરમાં માદુરોની ધરપકડની ટીકા કરી તેમને પરત લાવવાની માંગ કરતા ટ્રમ્પનો તેવર બદલાયો છે.
બીજી તરફ, અમેરિકાની ભાવિ ભૂમિકા અંગે વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સંતુલિત અભિગમ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. રુબિયોએ સંકેત આપ્યો છે કે અમેરિકા વેનેઝુએલાના રોજબરોજના વહીવટમાં કોઈ સીધી ભૂમિકા ભજવશે નહીં, પરંતુ ‘તેલ નાકેબંધી’ (Oil Blockade) દ્વારા દબાણ જાળવી રાખશે.
રુબિયોનું આ નિવેદન ટ્રમ્પના એ દાવા કરતા અલગ છે જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકા અસ્થાયી રૂપે વેનેઝુએલાનું ‘શાસન’ સંભાળશે. રુબિયોએ સ્પષ્ટ કર્યું કે તેલ નિકાસ પરના પ્રતિબંધોનો ઉપયોગ વેનેઝુએલામાં નીતિગત ફેરફારો લાવવા માટેના મુખ્ય સાધન તરીકે કરવામાં આવશે.






