ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારને લઈ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત મોટું નિવેદન આપ્યું છે. તેમણે અર્થતંત્રની વર્તમાન સ્થિતિ તથા ટેરિફ નીતિનો ઉલ્લેખ કરીને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધું હતું. વ્હાઇટ હાઉસ તરફથી બહાર પાડવામાં આવેલા ઓડિયો સંદેશમાં ટ્રમ્પે કહ્યું- ટેરિફ નીતિના કારણે ભારતે કથિત રીતે રશિયા પાસેથી ઓઈલ આયાત કરવાના નિર્ણય પર ફરી વિચારણા કરવી પડશે. તેમણે વેનેઝુએલામાં સૈન્ય અભિયાન ઉપરાંત દેશની આર્થિક સ્થિતિ પર પણ ટિપ્પણી કરી હતી.
ભારતના રશિયા પાસેથી ઓઈલ આયાત પર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું, તેઓ મને ખુશ કરવા માંગતા હતા. પીએમ મોદી ખૂબ સારા આદમી છે. તેમને ખબર હતી કે હું નાખુશ છું, મને ખુશ કરવો જરૂરી હતો. અમે તેમના પર ટૂંક સમયમાં ટેરિફ વધારી શકીએ છીએ. ટ્રમ્પે ઓગસ્ટ 2025માં ભારત પર ટેરિફ 50 ટકા કરવા પાછળ રશિયા સાથે ઓઈલ ટ્રેડનું કારણ જણાવ્યું હતું.
ટ્રમ્પના આ નિવેદન બાદ રશિયા સાથે ભારતના એનર્જી સંબંધને લઈ ફરી એક વખત પ્રશ્ન ઉભો થયો છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરશે તેવો ટ્ર્મ્પે થોડા દિવસ પહેલા દાવો કર્યો હતો. જોકે કેન્દ્ર સરકારે દાવાને ફગાવતાં કહ્યું કે, ટ્રમ્પ અને મોદી વચ્ચે આ પ્રકારની કોઈ વાતચીત થઈ નથી.રશિયા ભારતને ઓઈલ સપ્લાય કરતો સૌથી મોટો દેશ છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના અનેક અધિકારીઓએ પહેલા આરોપ લગાવ્યો હતો કે રશિયા આ ઓઈલ વેપારથી થતી કમાણી યુક્રેન વિરુદ્ધ યુદ્ધ માટે કરે છે. તેમજ ભારત પણ આ ઓઈલને ફરી વેચીને નફો કમાઈ રહ્યું છે. ટ્રમ્પ દ્વારા ભારત પર ફરી ટેરિફ લગાવવાની ધમકી પુતિન પર દબાણ બનાવવાની એક ચાલ તરીકે જોવામાં આવે છે.






