ઈરાનમાં છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શને અતી ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ગુરુવારે રાત્રે ઈરાનથી નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રઝા પહલવીએ લોકોને રસ્તા પર આવવાની અપીલ
કરતાની સાથે જ ઈસ્લામિક રિપબ્લિક સામે જુવાળ ઉમટી પડ્યો હતો. રાજધાની તેહરાન સહિત દેશના
અંદાજે 50 થી વધુ શહેરોમાં લોકોએ રેલીઓ કાઢી હતી. આ પ્રદર્શનોમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે
કે, લોકો રઝા પહલવીના સમર્થનમાં નારા લગાવી રહ્યા હતા.
મળતી વિગતો અનુસાર, ગુરુવારે રાત્રે ઈરાનમા ચાલી રહેલા વિરોધ પ્રદર્શને એટલું ગંભીર સ્વરૂપ ધારણ
કરી લીધું હતું કે તેને રોકવું કઠણ થઈ પડ્યું હતું. સ્થિતિ એટલી હદે વણસી ચુકી હતી કે ઈરાને મોડી રાત્રે
તેના એરસ્પેસને બંધ કરવાની ફરજ પડી છે અને અનેક વિસ્તારોમાં ‘નોટિસ ટુ એરમેન’ જારી કરવામાં
આવી છે. અહેવાલો મુજબ, સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ઈરાને તેની સંરક્ષણ પ્રણાલી પણ સક્રિય
કરી દીધી છે.ઈરાનની આ આંતરિક અશાંતિ વચ્ચે આંતરરાષ્ટ્રીય દબાણ પણ વધ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે ઈસ્લામિક શાસનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે પ્રદર્શનકારીઓ સામે બળપ્રયોગ
કરવામાં ન આવે. ટ્રમ્પની આ ધમકી અને ઈરાન દ્વારા એરસ્પેસ બંધ કરવાના નિર્ણયથી ખાડી દેશોમાં
તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તેહરાનની ગલીઓમાં હજારો લોકો ‘ખમેનેઈ મુર્દાબાદ’ અને સત્તા
પરિવર્તનના નારા લગાવી રહ્યા છે, જ્યારે અનેક સ્થળોએ આગચંપીની ઘટનાઓ પણ સામે આવી
હતી.સરકારી દમન છતાં લોકોનો આક્રોશ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. રાત્રિના અંધકારમાં પણ હજારો
લોકોએ મશાલ સરઘસ કાઢીને વર્તમાન સરકારને સત્તા છોડવા આહવાન કર્યું હતું. આગામી કલાકો
ઈરાન માટે નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે, કારણ કે એક તરફ લોકોનો વિરોધ વધી રહ્યો છે અને
બીજી તરફ સરકાર સૈન્ય તાકાતથી આ આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.





