રશિયાના સુદૂર પૂર્વ વિસ્તાર કમચાત્કામાં શિયાળો વિકટ બન્યો છે. સમગ્ર વિસ્તાર 13 ફૂટ બરફની ચાદર નીચે દટાઈ ગયો છે. ભારે હિમવર્ષા અને તીવ્ર ઠંડા પવનોને કારણે તાપમાન માઈનસ 21 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.કમચાત્કામાં આવેલા આ શક્તિશાળી બરફના તોફાને અનેક શહેરોને બરફમાં દફનાવી દીધા છે.
રાજધાની પેત્રોપાવલોવસ્ક-કમચાત્કામાં છત પરથી બરફ પડવાને કારણે ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે. પ્રથમ મોતના સમાચારની પુષ્ટિ થતાં જ, શહેરના મેયરે બરફ હટાવવા અને રાહત કાર્યો માટે વધારાના સંસાધનો એકત્ર કરવા માટે શહેરવ્યાપી ઈમરજન્સી જાહેર કરી દીધી છે. હિમવર્ષાના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં બાળકો બરફના વિશાળ ઢગલા પર લપસતા જોવા મળ્યા, જ્યારે બીજા વીડિયોમાં ઈમારતો ચોથા માળ સુધી બરફમાં દટાયેલી જોવા મળી, જાણે કે આખો વિસ્તાર સફેદ સમુદ્રમાં ફેરવાઈ ગયો હોય. ઘણા વીડિયોમાં તો ગાડીઓ સંપૂર્ણપણે ગાયબ હતી અને માત્ર બરફના ઊંચા ટેકરા જ દેખાઈ રહ્યા હતા.રશિયાના ઈમરજન્સી મંત્રાલયે વીડિયો જારી કરીને બતાવ્યું છે કે કેવી રીતે બચાવકર્મીઓ બરફના ઊંચા ઢગલાને કાપીને એવા વૃદ્ધ લોકો સુધી પહોંચી રહ્યા છે જેઓ પોતાના ઘરોમાં ફસાઈ ગયા હતા. સતત હિમવર્ષાને કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, જાહેર પરિવહન અટકાવી દેવામાં આવ્યું છે અને ઘણા વિસ્તારોમાં વીજળી તથા સપ્લાય ચેઈન પર દબાણ વધી ગયું છે.






