૬ જાન્યુઆરી પહેલા દિલ્હીમાં અશાંતિ ભડકાવવાનું કાવતરું ઘડવા બદલ શીખ્સ ફોર જસ્ટિસના વડા
ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે બીએનએસની વિવિધ કલમો
હેઠળ કેસ નોંધ્યો છે. પન્નુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં
આવી છે જેમાં તેણે દાવો કર્યો હતો કે તેણે પોતાના સ્લીપર સેલ દ્વારા દિલ્હીના રોહિણી અને ડાબરી
વિસ્તારોમાં ખાલિસ્તાન તરફી પોસ્ટરો લગાવ્યા હતા.
સ્પેશિયલ સેલે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૯૬, ૧૯૭, ૧૫૨ અને ૬૧ હેઠળ પન્નુ વિરુદ્ધ એફઆઈઆર
દાખલ કરી છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા દિલ્હીમાં કોઈપણ અશાંતિ અટકાવવા માટે આ
કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પન્નુએ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે
તેમના સંગઠનના સભ્યોએ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ખાલિસ્તાનના સમર્થનમાં પોસ્ટરો લગાવ્યા હતા.
જોકે, સ્પેશિયલ સેલ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં રોહિણી અને ડાબરી વિસ્તારોમાં આવા
કોઈ પોસ્ટરો મળ્યા નથી. પોલીસ પન્નુની પ્રવૃત્તિઓ અને તેના નેટવર્કને શોધવા માટે આ મામલાની વધુ
તપાસ કરી રહી છે.





