ઉત્તર ભારતના હવામાનમાં મોટો પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે પહાડી
રાજ્યોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારતીય હવામાન
વિભાગએ આગામી 24 કલાક માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.
હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ મનાલીમાં લાંબી રાહ જોયા બાદ સિઝનની પ્રથમ હિમવર્ષા
થઈ છે. આજે વહેલી સવારથી જ મનાલી શહેર સફેદ ચાદરથી ઢંકાઈ ગયું હતું. શહેરમાં આશરે બે ઇંચ
જેટલો બરફ નોંધાયો છે. જોકે, હાલમાં નેશનલ હાઈવે અને મુખ્ય રસ્તાઓ પર વાહનવ્યવહાર સામાન્ય
છે. માત્ર મનાલી જ નહીં, પણ શિમલા, કુફરી અને નારકંડામાં પણ હિમવર્ષાની પ્રબળ શક્યતા છે.
કાશ્મીર ખીણમાં સતત થઈ રહેલી ભારે હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શ્રીનગર
ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઓછી વિઝિબિલિટી અને રનવે પર બરફ જામી જવાને કારણે અત્યાર સુધીમાં
26 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઇન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઇન્સે મુસાફરોને એરપોર્ટ પર
આવતા પહેલા ફ્લાઇટ સ્ટેટસ ચેક કરવા વિનંતી કરી છે.





