ગુજરાત રાજ્યમાં ચૈત્ર મહિનાની શરૂઆતમાં અષાઢ-શ્રાવણ જેવો માહોલ સર્જાયો હતો. આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલીના બગસરામાં સૌથી વધુ 1.61 ઇંચ, સુરેન્દ્રનગરના ચોટીલામાં 1.54 ઇંચ, રાજકોટમાં 1.38 ઇંચ, ભેસાણમાં 1.38 ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો. 17 તાલુકામાં અડધા ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે 100 તાલુકામાં અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ વરસાદી માહોલ છવાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં વાવાઝોડા સાથે થયેલા વરસાદના કારણે કાપણી આરે આવેલા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. હાલ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઊંચાઈ પર એપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયેલું છે. ઉપરાંત ઉત્તર પાકિસ્તાન અને તેની આજુબાજુના વિસ્તારોમાં 3.1 કિમીની ઊંચાઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સંકળાયેલું સાયક્લોનિક સરક્યુલેશનસક્રિય છે. તેમજ પશ્વિમી પવનોમાં 5.8 કિમીની ઊંચાઈએ અપર અને મિડલ લેવલ પર ટ્રફ રેકા પણ જોવા મળી રહી છે. આ પ્રબળ સિસ્ટમોના પ્રભાવ હેઠળ રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગ મુજબ, 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે. ત્યારે બાદ 3-5 ડિગ્રીનો વધારો થશે. તેવી જ રીતે લઘુત્તમ તાપમાનમાં પણ 2-3 ડિગ્રીનો ઘટાડો થશે અને ત્યાર બાદ વધારો થશે.
આજે વરસાદની આગાહી
રાજ્યમાં આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, અમરેલી, રાજકોટ, મોરબી, પોરબંદરમાં અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન સાથે વરસાદની શક્યતાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. ગત રાત્રે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.
ગુજરાતમાં વરસાદથી કેરી સહિતના પાકને નુકસાન
ગુજરાતમાં ચૈત્રી નોરતાના પ્રથમ દિવસે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાતા જાણે મિનિ વાવાઝોડું હોય એવું ચિત્ર જોવા મળ્યું, જ્યારે બપોરના સમયે રાજકોટ, જામગરન, અમરેલી અને કચ્છ જેવા પંથકમાં કરા સાથે વરસાદ થયો. કચ્છ જિલ્લામાં ભારે વરસાદને પગલે જાણે રસ્તા પર નદી વહેતી હોય એવું ચિત્ર જોવા મળ્યું જ્યારે રાજકોટ અને જામનગરમાં વરસાદથી વાતાવરણ કાશ્મીરના પહાડી વિસ્તારમાં હોય એવું ઠંડું થઈ ગયું. રાજકોટ શહેર તથા જિલ્લામાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતા અમીન માર્ગ પર વૃક્ષ જમીનદોસ્ત થયું હતું. જોકે, કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. માર્ચ મહિનાના બફારામાંથી લોકોને આંશિક રાહત મળી હતી પણ અમરેલીથી લઈને ઊના પંથક સુધી કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. ભારે વરસાદને કારણે કેરીના પાકને માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત અન્ય પાકોને પણ ભારે નુકસાન થતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.
ગિરનાર પર વરસાદથી સૌરાષ્ટ્ર ઠંડુગાર
સૌરાષ્ટ્રમાં ગિરનારથી લઈને ભાવનગર પંથક સુધી ભારે પવનોને કારણે અનેક શહેરનું તાપમાન નીચે ઊતર્યું હતું. ગિરનાર પર બપોરના સમયે વરસાદ થતા રોપ-વે સેવા તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી. જામનગર શહેર અને જિલ્લામાં કરા સાથે વરસાદ થયો હતો જ્યારે કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરી ઊઠતા ધોળા દિવસે વિઝિબિલિટી ઝીરો થઈ હોય એવું ચિત્ર ઉપસ્યું હતું. ગેસની કટોકટી વચ્ચે વૈકલ્પિક સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાતા લાકડા ભીના થઈ ગયા હતા. જ્યારે ઘઉં, જીરૂ, ધાણા, ચણા, રાયડો જેવા પાકમાં ભેજની અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ પશુપાલકોનો ઘાસચારો ભીનો થઈ જતા સમસ્યા ઊભી થઈ હતી. સાંજના સમયે અમદાવાદ, વડોદરા અને મહેસાણા હાઈવે પર હળવો વરસાદ થતા અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન નીચું ગયું છે.





