ગુજરાતમાં માવઠા બાદ ગરમીનો પારો ઊંચકાયો છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવવાનું એલર્ટ જાહેર કર્યું છે. બે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારત, પૂર્વોત્તર અને મધ્ય ભારત સહિત આશરે 22 રાજ્યોમાં વાવાઝોડું, વરસાદ અને તીવ્ર પવન ફૂંકવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી બે દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. પરંતુ તે બાદ તાપમાનમાં ઘટાડો થશે.
ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન માટે આગાહી માટે જણાવ્યું છે કે, આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 28 માર્ચ 2026ની રાતથી ઉત્તર-પશ્ચિમ ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થાય તેવી શક્યતા છે. આ સાથે મધ્ય પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં અપર એર સર્ક્યુલેશન હવે લેસ માર્ક થયું છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, રવિવારે 29 માર્ચના રોજ બનાસકાંઠા અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. 29 માર્ચના રોજ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 30મી માર્ચ અને સોમવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની આશકયતા છે.
હવામાન વિભાગ મુજબ, 27 માર્ચ સુધી જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર પશ્ચિમના મેદાની વિસ્તારમાં 31 માર્ચ સુધી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્લી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન 30 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 29 માર્ચ સુધી વરસાદ, વીજળી અને ભારે પવન ફૂંકવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. છત્તીસગઢ, મધ્ય પર્દેશ અને વિદર્ભમાં હળવા વરસાદની સાથે વાવાઝોડાની શક્યતા છે. તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને કેરળમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે ભારે પવનની શક્યતા છે. મહારાષ્ટ્ર અને કેરળમાં ગરમી અને ભેજનો અનુભવ થઈ શકે છે.
દિલ્હીમાં આજે હળવા વરસાદ અને ગાજવીજની શક્યતા છે. ઉપરાંત 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 29 અને 20 માર્ચે 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં 27 માર્ચે ભારે વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે. બિહારમાં વાવાઝોડું અને કરા પડી શકે છે. આવતીકાલે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.




