કોંગ્રેસની ભારત જોડો યાત્રા શરૂ થઈ ગઈ છે. ભારત જોડો યાત્રાનો શુભારંભ કરાવવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કન્યાકુમારી પહોંચ્યાં હતા અને ત્યાંથી તેમણે યાત્રાને ઝંડી દેખાડી હતી. ભારત જોડો યાત્રા હેઠળ 120 કોંગ્રેસી નેતાઓ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરીને 3,570 કિ.મી.નું અંતર કાપશે.
કન્યાકુમારીમાં યાત્રાની શરૂઆત કરતા ગાંધીએ કહ્યું કે, “મેં મારા પિતાને નફરત અને ભાગલાની રાજનીતિમાં ગુમાવ્યા છે. હું આમાં મારા પ્રિય દેશને ગુમાવીશ નહીં. પ્રેમ નફરત પર વિજય મેળવશે. આશા ભયને હરાવશે. આપણે બધાં સાથે મળીને હરાવીશું.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પત્ર લખીને યાત્રાને સંબોધિત કરી છે. સોનિયાએ પોતાના પત્રમાં યાત્રામાં સામેલ નેતાઓને શુભકામનાઓ પાઠવી છે અને પોતાની હાજરી ન આપી શકવા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો છે. એવા સમયે જ્યારે કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ કન્યાકુમારીથી કાશ્મીર સુધી શરૂ થઈ રહી છે. ત્યારે સારવાર અને મેડિકલ તપાસના કારણે હું તમારી વચ્ચે રૂબરૂ હાજર નથી. હું આ અસમર્થતા માટે દિલગીર છું.
યાત્રા પ્રવાસ વખતે કન્ટેનરમાં રોકાશે રાહુલ ગાંધી અને બીજા નેતાઓ
કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3570 કિલોમીટરની ભારત જોડો યાત્રા દરમિયાન દરરોજ કન્ટેનર દ્વારા એક નવું ગામ ઉભું કરવામાં આવશે, જ્યાં રાહુલ ગાંધી અને તેમની સાથે આવેલા મુસાફરો રોકાશે. આ માટે 60 જેટલા કન્ટેનર શેલ્ટર તરીકે તૈયાર કરવામાં આવ્યા છે, જેને ટ્રક પર રાખવામાં આવ્યા છે. આ તમામ કન્ટેનર રાહુલ યાત્રા દરમિયાન એક સાથે નહીં ચાલે પરંતુ દિવસના અંતે નિયત સ્થળે યાત્રામાં સામેલ લોકોને પહોંચાડવામાં આવશે. સુરક્ષાના કારણોસર અલગ કન્ટેનરમાં રાહુલ ગાંધી સુઈ જશે, જ્યારે અન્ય મોટાભાગના કન્ટેનરમાં 12 લોકો સૂઈ શકશે. આ કન્ટેનરના ગામમાં તમામ મુસાફરો રાહુલ ગાંધી સાથે ટેન્ટમાં બેસીને પણ જમશે, રાહુલ ગાંધી સાથે રોકાનારા ફુલ ટાઇમ મુસાફરો સાથે જમશે અને નજીકમાં જ રહેશે.