દેશમાં ચોખાની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે કણકી (બ્રોકન રાઇસ)ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જે નવો આદેશ આજથી અમલમાં આવશે. વધુમાં, ચોખાની નિકાસ પર પ્રતિબંધનો અવકાશ વધુ લંબાવી શકાય છે. આ સિવાય સરકારે વિવિધ ગ્રેડના ચોખાની નિકાસ પર 20% ડ્યુટી લગાવી છે.
ચીન પછી ભારત ચોખાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ચોખાના વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 40% છે. સરકારે બ્રાઉન રાઈસ સિવાય નોન-બાસમતી ચોખા પર 20% નિકાસ ડ્યુટી લાદી છે. વર્તમાન ખરીફ સિઝનમાં ડાંગરના પાક હેઠળના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં ઘરેલુ પુરવઠો વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. આ સાથે 9 થી 15 સપ્ટેમ્બર સુધી, ફક્ત તે માલસામાનને જ નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે જેઓ લોડ કરવામાં આવ્યા છે, બિલ કરવામાં આવ્યા છે અને પોર્ટ પર કસ્ટમ્સને પહોંચાડવામાં આવ્યા છે.
ડાંગરના રૂપમાં ચોખા અને કણકી (બ્રોકન રાઇસ) પર 20% નિકાસ ડ્યુટી લાદવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ પરોક્ષ કર અને કસ્ટમ્સે જણાવ્યું હતું કે, બ્રાઉન રાઈસ અને બાસમતી ચોખા સિવાયની જાતોની નિકાસ પર 20 ટકા કસ્ટમ ડ્યુટી લાગશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આ એક્સપોર્ટ ડ્યૂટી 9 સપ્ટેમ્બરથી લાગુ થશે.
ભારતે 2021-22ના નાણાકીય વર્ષમાં કેટલી આયાત કરી ?
ભારતે 2021-22ના નાણાકીય વર્ષમાં 21.2 મિલિયન ટન ચોખાની નિકાસ કરી હતી. તેમાં 39.4 લાખ ટન બાસમતી ચોખા હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ સમયગાળા દરમ્યાન નોન-બાસમતી ચોખાની નિકાસ $6.11 બિલિયન રહી હતી. ભારતે 2021-22માં વિશ્વના 150 થી વધુ દેશોમાં નોન-બાસમતી ચોખાની નિકાસ કરી હતી. આ તરફ કૃષિ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, ચાલુ ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં ડાંગરનું વાવેતર 5.62% ઘટીને 383.99 લાખ હેક્ટર થઈ ગયું છે. દેશના કેટલાક રાજ્યોમાં ઓછા વરસાદને કારણે ડાંગરના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે.