ગુજરાત સહિત દેશમાં વેચાતા ફલેવર્ડ મિલ્ક એટલે કે ખાસ પ્રકારની સુગંધ અને લાંબા ગાળા સુધી ટકી શકે તેવા બોટલમાં પેક દૂધને ગુજરાત જીએસટીના એડવાન્સ રુલીંગ ઓથોરીટી ટ્રીબ્યુનલે એક ડ્રીંક તરીકે ફલેવર્ડ મિલ્કને ગણીને તેના પર જીએસટી લગાવી શકાય તેવો ચૂકાદો આપ્યો છે.
અમુલ સહિતની બ્રાન્ડ દ્વારા આ ફલેવર્ડ મિલ્ક વેચવામાં આવે છે જેમાં વાડીલાલ આઈસ્ક્રીમ પણ સામેલ છે અને તેના પર હવે 12 ટકા જેટલો જીએસટી લાગશે. ગુજરાતના આઈસ્ક્રીમ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવતા વાડીલાલ દ્વારા ઓથોરિટી ઓફ એડવાન્સ રુલીંગ સમક્ષ ફલેવર્ડ મિલ્કને સામાન્ય દૂધ ગણવા અને તેથી તેના પર જીએસટી નહીં વસૂલાય તેવી માગણી સાથે જે અરજી કરી હતી તે ફગાવાઈ હતી અને બાદમાં વાડીલાલ આઈસ્ક્રીમ દ્વારા ટ્રીબ્યુનલમાં આ ચૂકાદાને પડકારાયો હતો પરંતુ ટ્રીબ્યુનલ દ્વારા પણ ફલવર્ડ મિલ્કને એક ડ્રીંક્સ તરીકે જાહેર કર્યું છે અને તેના પર 12 ટકા જીએસટી વસૂલાશે તેવો આદેશ આપ્યો છે.
ટ્રીબ્યુનલે જણાવ્યું હતું કે ફલેવર્ડ મિલ્ક એ કુદરતી દૂધનું સ્વરુપ નથી પરંતુ તેના પર ચોક્કસ પ્રકારની પ્રોસેસ કરવામાં આવે છે અને કેટલાક રંગ અને અન્ય તત્વો પણ ઉમેરવામાં આવે છે. આ અગાઉ જીએસટી ફ્રેમવર્ક હેઠળ દૂધ અને લસ્સી બંનેને જીએસટીમાંથી બાદ આપવામાં આવ્યા હતા. પરંતુ ફલેવર્ડ મિલ્ક પર 12 ટકા જીએસટી લાગશે. અગાઉ જીએસટી ઓથોરીટીએ જ પરાઠાને પણ જીએસટી હેઠળ લાવ્યા હતા.