ભાવનગર જિલ્લા જેલના સ્ટાફ અને બંદીવાનોએ કર્યા યોગ
વિશ્વ યોગ દિવસ નિમીત્તે ગુજરાત રાજ્યની જેલોના વડા પોલીસ મહાનિદેશક ડૉ.કે.એલ.એન.રાવ તથા રાજકોટ ઝોનની જેલોના ક્ષેત્રીય અધિકારી નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડ્યાની સુચના અને ભાવનગર જિલ્લા જેલના અધિક્ષક ડી.ડી.પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ ‘‘ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’’ ના પ્રશિક્ષિત શિક્ષકો દ્વારા ભાવનગર જિલ્લા જેલના જેલ સ્ટાફ અને જેલ બંદીવાનોને યોગ કરાવામાં આવ્યા હતા.
કોળીયાક બીચ ખાતે યોજાયા ‘સાયકલિંગ વિથ યોગા’
ભાવનગર સાયકલ ક્લબ દ્વારા કોળીયાક બીચ ખાતે અનોખા ‘સાયકલિંગ વિથ યોગા’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ક્લબના 32 સભ્યો વહેલી સવારે 5 વાગ્યે ભાવનગરથી સાયકલ લઈને કોળીયાક તરફ રવાના થયા હતા અને સવારે 6:30 વાગ્યે કોળીયાક બીચ પર પહોંચી ત્યાં યોગ કરી વિશ્વ યોગ દિવસ મનાવ્યો હતો.કોળીયાકના શાંતિમય દરિયાકિનારે તમામ સભ્યોએ યોગ અને પ્રાણાયામ કર્યા હતા. દરિયાની શીતળ હવા અને કુદરતી વાતાવરણ વચ્ચે યોજાયેલા યોગાભ્યાસે સભ્યોને અનોખો અનુભવ કરાવ્યો હતો.આ આયોજનને સફળ બનાવવા માટે કલ્પેશસિંહ ઝાલા, શૈલેન્દ્રસિંહ ગોહિલ, ડો. પુનિતાબેન વિરાણી, અમિતભાઈ વાળા સહિત ક્લબના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
શહેર ભાજપ દ્વારા શહેરના પ્રત્યેક વોર્ડમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહના માર્ગદર્શનમાં શહેરના પ્રત્યેક વોર્ડના નિશ્ચિત સ્થળે ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવેલ, જેમાં શહેર સંગઠન તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને મનપાના પદાધિકારીઓ, નગરસેવકો, વરિષ્ટ આગેવાનો, વોર્ડ સંગઠન, યુવા અને મહિલા મોરચા સહિત તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો, તેમજ કાર્યકર્તાઓએ પોત પોતાના વોર્ડમાં ૨૧ જુન ૨૦૨૬ ની સવારે યોગાભ્યાસ કરીને વિશ્વ યોગ દિવસ મનાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને પ્રત્યેક વોર્ડ દીઠ યોગ શિક્ષકો અને પ્રભારીઓ તેમજ શહેરના પ્રભારી અને સહપ્રભારીઓએ જહેમત ઉપાડી હતી.
પ્રજ્ઞાચક્ષુ બાળકોએ પણ યોગાભ્યાસ કરી આપ્યો સંદેશ
કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકોને રમતગમત શિક્ષક એલ.એન.વાઘેલાએ યોગાસન અને પ્રાણાયામ કરાવી વિવિધ યોગાસનની રીતો બતાવી હતી. પ્રાણાયામના પ્રયોગ દ્વારા તેમણે શ્વાસોચ્છવાસ રોકવા અને છોડવાની અનોખી રીતના રૂઆબને પ્રગટ કરી બંધ આંખોમાં છુપાયેલા તેમના સપનાં નિહાળ્યા હતા.
સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ખાતે 3 હજારથી વધુ વિધાર્થીઓ, શિક્ષકોએ કર્યો યોગાભ્યાસ
સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર કેમ્પસ ખાતે ધોરણ-૫ થી કોલેજ સુધીના 3000થી વધુ વિદ્યાર્થીઓ, આચાર્યો, પ્રોફેસરો તથા સ્ટાફની ઉપસ્થિતિમાં યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન સૂર્યનમસ્કાર, તાડાસન, વજ્રાસન, પદ્માસન સહિત વિવિધ યોગાસનો તેમજ કપાલભાતિ અને અનુલોમ-વિલોમ જેવા પ્રાણાયામનો સામૂહિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિ માટે ધ્યાન (મેડિટેશન) પણ કરાવવામાં આવ્યું હતું.આચાર્યઓ અને પ્રોફેસરોએ વિદ્યાર્થીઓને નિયમિત યોગ અપનાવવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે સૌએ સ્વસ્થ અને સંતુલિત જીવન માટે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર કેમ્પસ યોગમય અને સકારાત્મક ઊર્જાથી ઓતપ્રોત બની ગયો હતો.
એરપોર્ટ ખાતે સી.આઇ.એસ. એફ. દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
ભાવનગર એરપોર્ટના આગળના વિસ્તારમાં (શહેર બાજુ) સી.આઇ.એસ. એફ. યુનિટ એરપોર્ટ સિક્યોરિટી ગ્રુપ ભાવનગર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૬ ની ઉજવણી મહેશ સિંહ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ/CASO, CISF યુનિટ ASG ભાવનગર ના માર્ગદર્શન હેઠળ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI), ઈન્ડિગો એરલાઈન્સ, ડ્યુન્સ એકેડેમી અને સ્થાનિક સમુદાયના સભ્યો સાથે સંકલનમાં કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. સામાન્ય યોગ પ્રોટોકોલ મુજબ યોગ સત્ર અને માર્ગદર્શન યોગ ગુરુ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બધા સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે તમામ સહભાગીઓ વિવિધ યોગાસનો કર્યા હતા.
હાથબ દરિયા કિનારે ‘યોગ’ની પ્રતિકૃતિ બનાવીને કરાઈ ઉજવણી
રવિવારે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે ભાવનગર જિલ્લાના ઐતિહાસિક અને આઈકોનિક સ્થળ હાથબ બંગલા ખાતે મંગલ ભારતી લોકશાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં નિયમિત યોગાભ્યાસ પ્રત્યે જાગૃતિ અને પ્રેરણા જોવા મળી હતી.આ પ્રસંગે શિક્ષકો અને માર્ગદર્શકોએ યોગના દૈનિક જીવનમાં રહેલા મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. યોગ માત્ર વ્યાયામ નહીં પરંતુ સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલીનું શક્તિશાળી સાધન હોવાનું જણાવાયું હતું.હાથબ બંગલા જેવા ઐતિહાસિક સ્થળે યોજાયેલા આ યોગ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને યોગ પરંપરા પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત બની હતી. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતાં તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આયોજકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
મહાપાલિકાના આયોજન તળે 6000થી વધુ નાગરિકોએ યોગ કર્યા, શહેરના 13 વોર્ડમાં ઉજવણી
ભારત સરકારના આયુષ મંત્રાલય તથા ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ 12મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ–2026ની ભાવનગર મહાનગરપાલિકા દ્વારાયોગ દ્વારા તંદુરસ્ત વૃદ્ધાવસ્થા થીમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ સ્થળોએ આયોજિત યોગ કાર્યક્રમોમાં અંદાજે 6000થી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ યોગનો લાભ લીધો હતો.
મુખ્ય શહેર સ્તરીય યોગ કાર્યક્રમસ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિદસર રોડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, શાળાના વિદ્યાર્થીઓ, સંસ્થાના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત શહેરના તમામ 13 વોર્ડમાં પણ વોર્ડવાઇઝ યોગ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગના સંદેશને જનજન સુધી પહોંચાડ્યો હતો.
આ ઉપરાંત ભાવનગરના ઐતિહાસિક બોર તળાવ ખાતે આયોજિત વિશેષ “આઇકોનિક યોગ કાર્યક્રમ” આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કુદરતી અને મનોહર વાતાવરણ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોગસાધકો, રમત-ગમત ક્ષેત્રના પ્રતિનિધિઓ, સામાજિક સંસ્થાઓના સભ્યો, યુવાનો તથા નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસ કરી યોગના વૈશ્વિક સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો. બોર તળાવના ઐતિહાસિક અને પર્યટન મહત્ત્વને અનુરૂપ આ કાર્યક્રમ શહેરની આગવી ઓળખને ઉજાગર કરવામાં સફળ રહ્યો હતો.
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી મુખ્ય કાર્યક્રમ, આઇકોનિક યોગ કાર્યક્રમ તથા તમામ વોર્ડ સ્તરીય કાર્યક્રમોમાં ઉપસ્થિત નાગરિકોને નિઃશુલ્ક રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં નાગરિકોએ વૃક્ષારોપણના સંકલ્પ સાથે હરિયાળા અને સ્વચ્છ ભાવનગરના નિર્માણમાં સહભાગી બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો. યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારી પ્રાપ્ત કરી શકાય છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.






