રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે લોકોને સવારે 8 થી 12 સુધી બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના બંધના એલાનને ગુજરાતભરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો સવારથી જ પોતાના વિસ્તારમાં બંધ પાળવા માટે નીકળ્યા છે. તો બીજી તરફ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની અટકાયત કરાઈ અને અમદાવાદમાં પોલીસે કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરાઈ હતી.
કોંગ્રેસના બંધના એલાનને સમર્થન આપતા NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી તેમજ અમદાવાદની તમામ કોલેજો બંધ કરાવાઈ હતી. તો કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવીજયસિંહ ગોહિલ, યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા અને NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં બંધ કરાવવા રસ્તા પર ઉતર્યા છે. તો બીજી તરફ ગાંધીનગરમાં કોંગી ધારાસભ્ય લાખા ભરવાડ સહિત આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. ધારાસભ્ય બંધના સમર્થનમાં દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા.