ઇ.યુ.ના જહાજાેને અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ખાતે આકર્ષવા માટે કેન્દ્ર સરકારે કવાયત તેજ બનાવી છે. આગામી સોમવારે ઇ.યુ.નું ડેલિગેશન અને ૯ દેશોના રાજદૂત ગાંધીનગર ખાતે શિપ રીસાયકલિંગ અંગેની કોન્ફરન્સ કરશે અને બીજા દિવસે મંગળવારે અલંગની મુલાકાત લેશે. યુરોપીયન યુનિયન (ઇ.યુ.) દ્વારા તેઓના સમયાવધિ સમાપ્ત થઇ ચૂકેલા જહાજ પસંદગીના દેશોમાં જ ભાંગવા માટે મોકલી રહ્યા છે ત્યારે તેઓને અલંગ તરફ વાળવા આ પ્રયાસો થઇ રહ્યા છે.
તા.૧૨મી સપ્ટેમ્બરને સોમવારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે શિપ રીસાયકલિંગ અંગેની ઉચ્ચ સ્તરીય કોન્ફરન્સ યોજાનાર છે. જેમાં કેન્દ્રીય શિપિંગ મંત્રાલય, વન-પર્યાવરણ મંત્રાલય, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ, ૯ દેશોના રાજદૂતો તથા યુરોપિયન યુનિયનનું ડેલિગેશન, રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ના હોદ્દેદારો સાથે શિપબ્રેકિંગ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરશે.
કેન્દ્ર સરકાર અલંગ શિપબ્રેકિંગ યાર્ડની ક્ષમતા આગામી બે વર્ષમાં બમણી કરવાની દિશામાં ધીમી છતા મક્કમ ગતિએ આગળ ધપી રહ્યા છે. યુરોપીયન યુનિયનના દેશો પાસે દુનિયાના કુલ શિપ પૈકી ૪૦ ટકા જથ્થો છે, અને તેઓ ગ્રીન શિપ રીસાયકલિંગ, હોંગકોંગ કન્વેન્શનનો અમલ કરતા દેશોમાં પોતાના જહાજ ભાંગવા માટે મોકલે છે. પરંતુ દક્ષિણ એશિયાના દેશોમાં જહાજ મોકલી રહ્યા નથી.
વર્ષ ૨૦૧૯માં શિપ બ્રેકિંગ એક્ટ બનાવવામાં આવ્યો છે, તે પૂર્વે અલંગ ખાતેના ૧૦૫ શિપબ્રેકિંગ પ્લોટ એચકેસીની આવશ્યક્તા મુજબના થઇ ચૂક્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરની તમામ સવલતો ધરાવે છે. તેથી હવે ઇ.યુ.ના જહાજાે અલંગમાં લાવવા માટે સરકાર પ્રયાસરત છે.
તા.૧૩ સપ્ટે.ના રોજ મુલાકાતી પ્રતિનિધિ મંડળ અલંગ શિપબ્રેકિંગ યાર્ડની મુલાકાત લેશે, અને અલંગમાં કેવા સુધારા કરવામાં આવ્યા છે, કેવી સવલતો છે, કાર્યપધ્ધતિ કેવી છે તેના વિષે જાણકારી મેળવી અને રિપોર્ટ તૈયાર કરશે.આમ ૧૩મીએ મળનારી બેઠક અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ માટે મહત્વપૂર્ણ સાબિત થશે જેમાં અગત્યના ર્નિણયો લેવાય તેવો આશાવાદ રહેલો છે.
ગાંધીનગરમાં સોમવારે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ
કેન્દ્ર સરકારના બંદરો, શીપીંગ અને જળમાર્ગ મંત્રાલય તેમજ ગુજરાત મેરીટાઇમ બોર્ડના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તા.૧૨ને સોમવારે ગ્રીન શીપ રીસાયક્લિંગ અને વ્હીકલ સ્ક્રેપિંગ વિષયે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાનાર છે. કેન્દ્ર સરકારના બંદરો, શીપીંગ અને જળમાર્ગ મંત્રાલયના કેબિનેટ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સચિવો, અધિકારીઓ તેમજ વિદેશના આમંત્રિત રાજદૂતોની પ્રેરક ઉપસ્થિતિમાં બપોરે ૧૨ કલાકે કોન્ફરન્સનો શુભારંભ થશે.