દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા એશિયા કપ 2022 મુકાબલામાં શ્રીલંકા સામે પાકિસ્તાનની હાર થઇ છે. શ્રીલંકાની ટીમે છઠ્ઠી વખત એશિયા કપ જીત્યો છે. આ પહેલા તેઓ 1986, 1997, 2004, 2008, 2014માં પણ ચેમ્પિયન બની હતી
એશિયા કપ 2022ના ફાઇનલ મુકાબલામાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રનથી હરાવ્યું છે. ટૉસ હારીને બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે શરૂઆત સારી નહોતી કરી, તેમણે એક સમયે 58 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વાનિંદુ હસારંગા અને ભાનુકા રાજપક્ષેએ 58 રનની ભાગીદારી કરી શ્રીલંકાને સંકટથી બહાર કાઢ્યું. હસારંગાએ 21 બોલમાં 36 રનની ઇનિંગ રમી જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. હસારંગાના આઉટ થયા બાદ પણ રાજપક્ષેએ તોફાની બોટિંગ શરૂ રાખી જેને લઇને શ્રીલંકાએ 6 વિકેટ પર 170 રન બનાવ્યા. ભાનુકા રાજપક્ષેએ 45 બોલ પર 71 રન બનાવીને અણનમ રહ્યા. આ દરમિયાન તેમણે 6 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવ્યા. શ્રીલંકાએ પાકિસ્તાનને જીત માટે 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાન 20 ઓવરમાં 147 રન જ કરી શક્યું. શ્રીલંકાએ પાકિસ્તાનને ઓલ આઉટ કરીને વિજય મેળવ્યો છે.
પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી અને તેમણે બાબર આઝમને (5) અને ફખર જમાન (0)ની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી. ત્યારબાદ મોહમ્મદ રિઝવાન અને ઇફ્તિખાર અહમદે 71 રનની પાર્ટનરશિપ કરી ઇનિંગને સંભાળવાનો પ્રયત્ન કર્યો.
જ્યારે ઇફ્તિખાર અહમદ 32 રનના સ્કોર પર આઉટ થયા તો નેટ રન-રેટનું પ્રેશર પાકિસ્તાન પર ઘણું વધી ગયું હતું. બાદમાં મોહમ્મદ રિઝવાન પણ 55 રન બનાવીને આઉટ થઇ ગયા જેને લઇને પાકિસ્તાનની ટીમ સમગ્ર રીતે મેચથી બહાર થઇ ગઇ હતી. છેલ્લી ઓવરમાં 32 રનની જરૂર હતી પરંતુ ચમિકા કરૂણારત્નેએ આ રન ન બનાવવા દીધા. શ્રીલંકા તરફથી પ્રમોદ મદૂસને સૌથી વધુ ચાર અને વાનિંદુ સહારંગાએ ત્રણ વિકેટ ઝડપી હતી.