ભાવનગરના બોરતળાવ, કુમુદવાડી વિસ્તારમાં રત્નકલાકાર યુવકની બે અજાણ્યા શખ્સોએ નજીવી બાબતે છરીનો ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઇ હતી. આ હત્યારાઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ શહેરના બોરતળાવ, કુમુડવાડીમાં આવેલ કારખાનામાં હીરાઘસવાનું કામ કરતા હર્ષદભાઈ ઠાકરશીભાઈ ઝાપડીયા રહે.મૂળ ગોગલા તા.ધોલેરા અને તેના કાકાના દીકરા પારસભાઈ સુખદેવભાઈ ઝાપડીયા કુમુડવાડીમાં આવેલ સીતારામ પાનની દુકાન સામે ચાલીને રસ્તો ઓળંગવા જતા હતા ત્યારે પસાર થઈ રહેલી મોટરસાઈકલને હર્ષદભાઈનો હાથ અડી જતા બોલાચાલી થઈ હતી.
બોલાચાલીમાં મોટર સાઇકલ સવારે હર્ષદભાઈને બે ત્રણ પાટા માર્યા હતા જ્યારે પાછળ બેઠેલા શખ્સે હર્ષદભાઈને પેટના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા તેમના આંતરડા બહાર નીકળી ગયા હતા.હુમલો કરી બન્ને અજાણ્યા શખ્સ બાઇક લઈને ફરાર થઈ ગયા હતા.આ ઘટનાના પગલે બનાવ સ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.ઇજાગ્રસ્ત હર્ષદભાઈને સારવાર અર્થે સર ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું મોત નીપજ્યું હતું.
હત્યાના આ બનાવ અંગે પારસભાઈ ઝાપડીયાએ બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે આઈ.પી.સી.કલમ ૩૦૨, ૩૨૩, ૫૦૪,૧૧૪ મુજબ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મળવી આરોપીઓની ઓળખ અને તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી અને પંચવટી ચોક શ્રમજીવી સોસાયટી પ્લોટ નં ૩માં રહેતા સંતોષ (ઉર્ફે સોડા) કાનજીભાઇ મકવાણા ઉ.વ. ૨૦ તથા મેપા નગરમાં રહેતા રવિ ઉર્ફે ભુરો મથુરભાઇ મકવાણા ઉ.વ.૨૩ની ધરપકડ કરી હતી.