વલભીપુર તાલુકાના નસીતપુર ગામે સ્થાનિક તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આવેલા પાણીથી નદીઓ ગાડીતુર બનેલ અને કોઝવે પર પાણી ફરી વળ્યાં હતા જેમાં બે બાળકો તણાતા સ્થાનિક લોકોએ એકને બચાવી લીધો હતો જ્યારે પાણીમાં ગરકાવ થયેલા બીજા બાળકની બોડી ફાયર બ્રિગેડ તથા તરવૈયાઓએ બહાર કાઢી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વલભીપુર ઉમરાળા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કાળુભાર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે પાણી ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ અને ભાલપંથકમાં ફરી વળ્યા હતા તેનાથી કોઝવે પાણીથી ભરાઈ જવા પામ્યો હતો. આ દરમિયાન બે બાળકો સાયકલ લઈને પસાર થતાં કોઝવે પરથી નદીમાં તણાયા હતા. જેની ગ્રામજનોને જાણ થતા એકને બચાવી લેવાયો હતો જ્યારે બીજાે પાણીમાં ગરકાવ થયો હતો. આ બનાવ અંગે વલભીપુર નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડનો સ્ટાફ અને સ્થાનિક તરવૈયાઓ એ પાણીમાંથી તણાયેલા યુવાન અને સાયકલને બહાર કાઢી હતી આ બનાવ બનતા મામલતદાર, પોલીસ સ્ટાફ તથા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. યુવાન મહારાષ્ટ્રનો શ્રમિક હોવાનું અને તેનું નામ હિતેશ હોવાનું પ્રાથમિક જાણવા મળે છે આ બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.