વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે એક પાકિસ્તાની રિપોર્ટર પર કટાક્ષ કર્યો. રિપોર્ટરે ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો. આ અંગે જયશંકરે કહ્યું, “એક આતંકવાદી દેશ મને આ સવાલ પૂછી રહ્યો છે.” રિપોર્ટરના સવાલનો જવાબ આપ્યા બાદ તેઓ સ્મિત કરીને ત્યાંથી નીકળી ગયા. ખરેખર, સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર મીડિયા દ્વારા પૂછાયેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન ભારતની વિદેશ નીતિ, વૈશ્વિક સુરક્ષા અને આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈ અંગે ચર્ચા થઈ રહી હતી.
આ પહેલાં ડિસેમ્બર 2022માં ન્યૂયોર્કમાં એક પાકિસ્તાની પત્રકારે જયશંકરને પૂછ્યું હતું કે દક્ષિણ એશિયા આખરે ક્યાં સુધી ભારત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદનો સામનો કરતું રહેશે.તમે ખોટા મંત્રીને સવાલ પૂછી રહ્યા છો. પાકિસ્તાન આતંકવાદ કેટલા સમય સુધી ચાલુ રાખવા માગે છે, તે પાકિસ્તાનના મંત્રીઓ જણાવશે. ભારત લાંબા સમયથી પાકિસ્તાન પર સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતું રહ્યું છે. પાકિસ્તાન આ આરોપોને નકારે છે. બંને દેશો વચ્ચે આતંકવાદનો મુદ્દો લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠતો રહ્યો છે.
ભારતે એપ્રિલ 2025ના પહલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો પણ આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવ્યો છે. આ હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં. ત્યારબાદ ભારતે ઑપરેશન સિંદૂર શરૂ કર્યું હતું.ભારતે આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનમાં હાજર અથવા ત્યાંથી સંચાલિત આતંકવાદી સંગઠનો અને આતંકવાદના ભંડોળનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. બીજી તરફ, પાકિસ્તાન ભારતના આરોપોને નકારતું રહ્યું છે.જયશંકરે પ્રેસ કૉન્ફરન્સમાં ખાડી, લાલ સમુદ્ર અને કાળા સમુદ્રમાં વેપારી જહાજો પર વધી રહેલા હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો.વિદેશ મંત્રી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રના હાઈ લેવલ સેશનમાં આજે 26 સપ્ટેમ્બરે ભારતનો પક્ષ રજૂ કરશે. પોતાના સંબોધન દરમિયાન તેઓ વૈશ્વિક મુદ્દાઓ પર ભારતનો પક્ષ દુનિયા સમક્ષ રજૂ કરશે.





