મુંબઈ ઝવેરીબજારમાં સોના- ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં વિશ્વબજાર પાછળ ઝડપી ઘટાડો નોંધાયો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વબજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ૪ ટકા ઉછળી બેરલના ઉંચામાં ૧૦૯ ડોલર નજીક પહોંચી જતાં બજારના ખેલાડીઓમાં અજંપો દેખાયો હતો. ઈરાન તથા અમેરિકા વચ્ચે મડાગાંઠ વધ્યાના વાવડ હતા. બ્રેન્ટક્રૂડના ભાવ વધી ઉંચામાં ૧૦૮.૮૩ થઈ ૧૦૭.૯૮ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રુડના ભાવ વધી ઉંચામાં ૯૬.૫૪ થઈ ૯૫.૭૮ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૨૮૪થી ૪૨૮૫ ડોલરવાળા નીચામાં ભાવ ૪૧૪૦ થઈ ૪૧૫૭થી ૪૧૫૮ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, વિશ્વબજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ રૂ.૨૫૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ તૂટયા હતા. વિશ્વબજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંશના ૬૪.૨૯થી ૬૪.૩૦ ડોલરવાળા ઘટી નીચામાં ભાવ ૬૦.૯૫ થઈ ૬૧.૫૩થી ૬૧.૫૪ ડોલર રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ બજારમાં સોનાના ભાવ ગબડી ૯૯૫ના રૂ.૧૫૨૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૨૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ગબડી રૂ.૨૨૭૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૩૦૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૪૭૩૮૭ તથા ૯૯૯ના રૂ.૧૪૭૯૮૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૮૦૦ ગબડી રૂ.૨૨૩૦૫૩ બોલાયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ ૧૦૦૦ ઘટી નીચામાં ભાવ રૂ.૫૮૯૮૦ થઈ રૂ.૫૯૧૩૩ રહ્યા હતા.






