દિવાળીના તહેવારો આવી રહ્યાં છે ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ્ટે એવી ચેતવણી જાહેર કરી છે કે, પોર્નોગ્રાફી એપ્લિકેશનના ઉપયોગથી સાયબર છેતરપિંડીના કિસ્સામાં ઉછાળો થઈ શકે છે. અશ્લીલ સામગ્રી પીરસતી લિન્ક્સ અને જાહેરાતો મોબાઇલ ફોન ઉપર મોકલવામાં આવે તેના ઉપર ક્લિક કરવામાં આવતાં જ છેતરપિંડી આચરતી અન્ય ફિશિંગ વેબસાઇટ્સના દ્વાર ખુલી જાય છે. ખાસ કરીને તહેવારો દરમિયાન ટાઇમપાસ કરવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતી વખતે આવી લિન્ક્સ અને જાહેરાતો જોવામાં સતર્ક રહેવું જરૂરી છે.
ભારતમાં બેથી ત્રણ અબજ અને ગુજરાતમાં 30 લાખથી વધુ લોકો દરરોજ ટાઇમપાસ કરવા માટે મોબાઇલ ફોન ઉપર વોટ્સ-એપ, ફેસબૂક કે ઇન્સ્ટાગ્રામનો બહોળો ઉપયોગ કરે છે. દિવસના ત્રણથી સાત કલાક સુધી મોબાઇલ ફોન ઉપર સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારાં લોકો રસપ્રદ જણાતી લિન્ક્સ ક્લિક કરવા ટેવાયેલાં છે. સોશ્યલ મીડિયા ઉપર ઘરેલુ ચીજવસ્તુઓની જાહેરખબરો કે જીવનજરૂરી જણાતી બાબતોની લિન્ક્સ ઉપર ક્લિક કરવાનું પ્રમાણ વિશેષ રહે છે. વોટ્સ-એપ કે સાદા એસ.એમ.એસ.થી મોકલાતી આ લિન્ક્સ મોટાભાગે ફેસબૂક કે ઇન્સ્ટાગ્રામ સુધી દોરી જાય છે.
નેશનલ સાયબર થ્રેટ એનાલિટિક્સ યુનિટ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે, મોબાઇલ ધારકને ખ્યાલ પણ નથી રહેતો અને અમુક લિન્ક્સ તેમને પોર્નોગ્રાફી એપ્લિકેશન્સ સુધી દોરી જાય છે.તેવા તબક્કે નવરાત્રી સહિતના તહેવારો દરમિયાન યુવા વર્ગને વધુ સચેત રહેવાની તાકીદ કરાઈ છે.
ગુજરાતમાં 7 મહિનામાં 1 લાખ સાયબરના ગુના
ગુજરાતમાં જાન્યુઆરીથી જુલાઈ સુધીના સાત જ મહિનામાં 1.06 લાખ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ગુજરાતમાં દર કલાકે 21 લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે તેમને ગુમાવેલી રકમ પરત મળવાનો દર ખુબ ઓછો છે. ફેબ્રુઆરી-2024થી જાન્યુઆરી-2026 સુધીમાં અમદાવાદીઓએ સાયબર ઠગાઈથી 134 કરોડ ગુમાવ્યાં તેમાંથી 36 ટકા એટલે કે 49 કરોડ જેટલી રકમ જ પરત મળી શકી છે તેવી વિગતો વિધાનસભામાં સત્તાવાર રીતે જાહેર થઈ ચૂકી છે.
—————–






