કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે તેના પાત્ર સરકારી કર્મચારીઓ માટે 30 દિવસના નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ (એડ-હોક) બોનસની જાહેરાત કરી છે. નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગ દ્વારા 15 ઓક્ટોબરના રોજ આ અંગેનો ઓફિસ મેમોરેન્ડમ જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ કર્મચારીઓને મહત્તમ 6908 રૂપિયા સુધીનું બોનસ મળશે. આ લાભ ગ્રુપ ‘સી’ અને બિન-ગેઝેટેડ ગ્રુપ ‘બી’ના કર્મચારીઓને મળશે, જેઓ પ્રોડક્ટિવિટી-લિંક્ડ બોનસ સ્કીમ હેઠળ આવરી લેવાયેલા નથી. આ સિવાય સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ અને સશસ્ત્ર દળોના પાત્ર જવાનો તેમજ કેન્દ્ર સરકારનું પગાર માળખું ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશોના કર્મચારીઓને પણ આ લાભ આપવામાં આવશે.
આ એડ-હોક બોનસ મેળવવા માટે કર્મચારીએ વર્ષ 2025-26 દરમિયાન ઓછામાં ઓછી 6 મહિનાની સતત સેવા પૂર્ણ કરેલી હોવી જરૂરી છે અને તેઓ 31 માર્ચ, 2026ના રોજ સેવામાં હોવા જોઈએ. જેમણે 6 મહિનાથી 1 વર્ષ વચ્ચે સેવા આપી છે, તેમને સેવાની અવધિ મુજબ પ્રો-રાટા આધારે બોનસ ચૂકવાશે. આ ઉપરાંત, વિશેષ કિસ્સા તરીકે, 31 માર્ચ, 2026 પહેલાં નિવૃત્ત થયેલા, મેડિકલ આધારે નિવૃત્તિ લીધેલા અથવા અવસાન પામેલા કર્મચારીઓ જો વર્ષ દરમિયાન ઓછામાં ઓછી 6 મહિનાની નિયમિત સેવા ધરાવતા હશે તો તેઓ પણ આ બોનસ માટે પાત્ર રહેશે. રાજ્ય સરકારો અથવા પબ્લિક સેક્ટર અંડરટેકિંગમાં ડેપ્યુટેશન પર ગયેલા કર્મચારીઓને આ બોનસ જે-તે સંસ્થાના નિયમો મુજબ મળશે.






