ફ્રાંસ પછી બેલ્જિયમથી શરૂ કરી આર્જેન્ટીના અને આલ્બેનિયા, ઈટાલી પોર્ટુગલ અને યુએસમાં પણ મોંઘવારી, બેકારી, ફુગાવો, વધતો જતો શિક્ષણ ખર્ચ અને વધતાં જતાં ઘરભાડાં સહિત અનેકવિધ પ્રશ્ને વિશ્વના કેટલાયે દેશોમાં જનઆક્રોશ ભભૂકી ઉઠયો છે. સરકારની નીતિઓ સામે જનતા પણ રણે ચઢી છે. એક તરફ આભ ઊંચો ફુગાવો જતાં લોકોની ખરીદ શક્તિ તૂટી ગઈ છે, તો બીજી તરફ સરકારો દ્વારા અપાતી સવલતો – પબ્લિક સર્વિસીઝમાં પણ કાપ મુકાતો જાય છે.
વિશ્વભરમાં વધતા જતાં ઇંધણના ભાવ, જીવન જરૂરિયાતની ચીજોના વધતા ભાવ (કોસ્ટ ઓફ લિવિંગ) ભારે બોજારૂપ બની રહ્યા છે. ફ્રાંસની સાથે હવે તેના પાડોશી બેલ્જિયમમાં પણ વિદ્યાર્થીઓ શિક્ષણ ખર્ચમાં સરકાર દ્વારા કરાતા ઘટાડા સામે અને મોંઘા બની રહેલાં ઘરભાડાં સામે જનઆક્રોશ ભભૂકી ઉઠયો છે. વાસ્તવમાં જનતા હવે હતાશ થઈ ગઈ છે, બ્રુસેલ્સ અને લીજમાં પણ વ્યાપક રમખાણો થતાં પોલીસને વોટર કેનનનો ઉપયોગ કરવો પડયો હતો. બેલ્જિયમના આંતરિક બાબતોના મંત્રીએ એવો પાંગળો બચાવ કર્યો હતો કે આ સમાજને અસ્થિર કરવાનું એક સુવ્યવસ્થિત કાવતરૂં છે.
પોર્ટુગલમાં હજારો લોકો ઓછા વેતન, રહેણાંક મકાનોની અછત, મિલ્કતોના વધતા ભાવ અને ભાડાં સામે લિસ્બનમાં હજારો લોકો સડક પર ઉતરી આવ્યા હતા. તેમાં ખાસ કરીને ઓછી આવકવાળા કુટુમ્બોના યુવાનો હતા. ઈટાલી અને આલ્બેનિયામાં પણ વિરોધ વંટોળ શરૂ થઈ ગયો છે. મિલાનમાં (ઈટાલી) દેખાવકારો પોલીસ સાથે અથડામણમાં આવી ગયા હતા. તેઓ ઠેરનાં ઠેર રહેલાં વેતન, ફુગાવો, જીવન જરૂરિયાતની દરેક ચીજોના વધતા જતાં ભાવ સામે વિરોધ દર્શાવી રહ્યા હતા.





