રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં રશિયાએ કરેલા મિસાઇલ-કમ-ડ્રોન હુમલામાં પાંચના મોત થયા છે અને ૨૫ને ઇજા થઈ છે, એમ યુક્રેને જણાવ્યું હતું. બીજી બાજુએ રશિયન પ્રમુખ પુતિને યુક્રેન યુદ્ધને લઈને કીવ અને વોશિંગ્ટન સાથે ત્રિપક્ષીય વાતચીત કરવા સંમતિ દાખવી છે.
રશિયાએ કીવમાં કરેલા હુમલામાં ત્રણના મોત થયા હતા અને ૧૨ને ઇજા થઈ હતી.આ સિવાય શહેરના ૧૦ રહેણાક મકાનોને નુકસાન થયું હતું. આ હુમલામાં કીવ અને બીજા ત્રણ શહેરના ઉર્જા પુરવઠાને નિશાન બનાવવામાં આવ્યા હતા. પૂર્વી શહેર ખાર્કિવ પર કરવામાં આવેલા ડ્રોન હુમલામાં બેના મોત થયા હતા અને ૧૧ને ઇજા થઈ હતી. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમના એર ડિફેન્સે ૩૭૩થી વધુ યુક્રેનિયન ડ્રોન આંતર્યા હતા.
પુતિનના વિદેશી સલાહકાર યુરી ઉશાકોવે જણાવ્યું હતું કે સેન્ટ પીટર્સબર્ગમાં પુતિન અને ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠક પછી પુતિન સૈદ્ધાંતિક રીતે ત્રિપક્ષીય વાતચીત કરવા સંમત થયા હતા. આ બેઠક સાડા ત્રણ કલાક ચાલી હતી. આ ત્રિપક્ષીય સંવાદમાં રશિયા-યુક્રેન યુદ્ધ પૂરુ થયા પછી સિક્યોરિટી સિસ્ટમ સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવે જણાવ્યું હતું કે મોસ્કો અમેરિકાની યુક્રેન અંગેની નવી દરખાસ્ત સાંભળવા તૈયાર છે, પરંતુ તે વોશિંગ્ટન પાસેથી કોઈ ચમત્કારની આશા રાખતી નથી. ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે ઝેલેન્સ્કી ડીલ કરે. અમે યુક્રેનને કેટલું બધુ આપ્યું, બદલામાં અમને કશું મળ્યું નથી. આ દરમિયાન ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે કીવને ફરીથી રશિયાના મિસાઇલોને લઈને તેના પાર્ટનર તરફથી પૂર્વચેતવણીઓ મળવા લાગી છે.






