ભાવનગર કોર્પોરેશનમા દલા તરવાડી ચાલતી હોવાનું ખુલ્લું પડ્યું છે, બિલ્ડિંગ વિભાગે ટેન્ડરની મૂળ રકમ જેટલી જ વધારાની રકમ એક્સ્ટ્રા કામના નામે ખર્ચતા ગેરરીતિની આશંકા પ્રબળ બની છે. કોર્પોરેશનના બિલ્ડિંગમાં રીનોવેશન માટે રૂ. ૫૧ લાખનું ટેન્ડર પાસ કરી બાદમાં વધુ રૂ. ૫૦ લાખ એક્સ્ટ્રા કામ માટે મંજૂર કર્યા હતા જેનો આરટીઆઇમાં ખુલાસો થયો છે.
રૂ. ૫૧ લાખના ટેન્ડરની કામગીરીમાં રૂપિયા ૩૦ લાખની વધારાની કામગીરી તથા રૂપિયા ૨૦ લાખના અન્ય કામગીરી દેખાડી રૂપિયા ૫૧ લાખના ટેન્ડરમાં રૂપિયા એક કરોડ કરતાં વધુની કામગીરી કોન્ટ્રાક્ટરને વગર ટેન્ડરે આપી સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દેદારોની ગેરમાર્ગે દોરી તેમની પાસે પણ ઠરાવ કરાવી કામ કરેલ હોવાનું જાણવા મળ્યું છે. કોર્પોરેશનનું મકાન નબળું પડેલ હોય બિલ્ડીંગ વિભાગ દ્વારા તારીખ ૨૬.૧૦.૨૦૨૧ ના રોજ દરખાસ્ત નંબર ૯૨૭ થી ૫૧ લાખ કરતા વધુના ખર્ચે આ મકાનના આગળ તથા બંને સાઈડના રીનોવેશનની કામગીરી કરવા માટે કોન્ટ્રાક્ટરને આપવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ નંબર ૫૦૮ તારીખ ૨૭ ૧૦ ૨૦૨૧ ના રોજ અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ કરી કામગીરી મંજૂર કરાવેલ હતી, ત્યારબાદ બિલ્ડીંગ વિભાગ દ્વારા જ રૂપિયા ૨૦ લાખ કરતા વધુના ખર્ચથી આજ કોન્ટ્રાક્ટરને ત્રીજા માળની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ચેમ્બરની એન્ટી ચેમ્બર તથા મેયરની એન્ટી ચેમ્બર અને બાંધકામ સમિતિની એક નવી ચેમ્બર બનાવવા માટેની કામગીરી વગર ટેન્ડરે આજ કોન્ટ્રાક્ટરને આપવા માટે દરખાસ્ત નંબર ૧૫૪૭ તારીખ ૧૧ ૩ ૨૦૨૨ થી સ્ટેન્ડિંગ કમિટીને જાણ કરેલ જેમાં પણ સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ નંબર ૭૭૮ તારીખ ૧૪ ૩ ૨૨ થી અધ્યક્ષ સ્થાનેથી મંજૂર કરી વગર ટેન્ડરની કામગીરી આજ કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવેલ.
હજી આટલું ઓછું હોય તેમ કોન્ટ્રાક્ટરને વધુ રકમ ચૂકવવા માટે બિલ્ડીંગ વિભાગ દ્વારા ફરીથી દરખાસ્ત જાવક નંબર ૧૮૮ તારીખ ૬ ૫ ૨૨ થી કોર્પોરેશનના મકાનના રીનોવેશનની કામગીરીમાં વધારાની બીજી કામગીરી અંગે રૂ. ૩૦ લાખ કરતા વધુના ખર્ચની મંજૂરી માગતી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવેલ. જે સ્ટેન્ડિંગ કમિટીએ તેના ઠરાવ નંબર ૮૬ તારીખ ૧૦ ૫ ૨૨ થી મંજૂર કરે કોન્ટ્રાક્ટરને વધુ ૩૦ લાખનો લાભ આપવાને લીલી ઝંડી આપી દેતા ગેરરીતિ અને કૌભાંડની આશંકા વ્યક્ત થઇ રહી છે.