અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અત્યાર સુધીમાં વિશ્વના આઠ દેશોમાં યોજાયેલી ચૂંટણીઓમાં પોતાના પસંદગીના ઉમેદવારો કે રાજકીય જૂથોને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. પરંતુ તેમ છતાં તેમાંથી છ દેશોમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ દેશોમાં રોમાનિયા,હોન્ડુરાસ, હંગેરી, બ્રાઝિલ, જાપાન, જર્મની, કેનેડા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આમ છેલ્લાં બે વર્ષનાં ચૂંટણી પરિણામો તેમના માટે એક આંચકા સમાન સાબિત થયાં છે.
ટ્રમ્પના સમર્થકોએ આઠ દેશોમાં યોજાયેલી ચૂંટણીઓ અંગે પોતાની પસંદગી વ્યક્ત કરી હતી. આ અંગે ઉપલબ્ધ માહિતી અનુસાર જાપાન અને હોન્ડુરાસમાં તેમણે જે પક્ષ કે ઉમેદવારને સમર્થન આપ્યું હતું તેનો વિજય થયો હતો. જ્યારે અન્ય છ દેશોમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ પરિણામો એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો કરે છે. શું ટ્રમ્પની લોકપ્રિયતા અને અમેરિકાનો પ્રભાવ હવે અન્ય દેશોના મતદારોને તે રીતે પ્રભાવિત કરવામાં સક્ષમ નથી, જે રીતે તેઓ ભૂતકાળમાં હતા. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિની અસર અનેક દેશોમાં યોજાયેલી ચૂંટણીઓમાં જોવા મળી હતી. કેનેડામાં તેમણે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પોઈલિવરેને સમર્થન આપ્યું હતું. પરંતુ લિબરલ પાર્ટીના માર્ક કાર્નીનો વિજય થયો હતો. ટ્રમ્પની ટેરિફ ધમકીઓ અને કેનેડામાં અમેરિકા ભેળવવાની ધમકીઓ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બન્યો હતો. ઓસ્ટ્રેલિયામાં પણ એન્થોની અલ્બાનીઝની લેબર પાર્ટીનો વિજય થયો હતો. જોકે ત્યાંની ચર્ચાઓમાં ટ્રમ્પની રાજકીય શૈલી સાથે સંકળાયેલા મુદ્દાઓ પણ સામેલ હતા. આ ઉપરાંત રોમાનિયામાં ટ્રમ્પના સમર્થક ગણાતા જ્યોર્જ સિમિયોન રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા હતા. તેમને નિકુશોર ડેને હરાવ્યા હતા. જેમણે લગભગ 54 ટકા મત મેળવ્યા હતા.




