કેનેડામાં સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠાને કેટલાક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. મંગળવારે ટોરન્ટોમાં આવેલા આ મંદિરની દીવાલો પર ભારત વિરોધી લખાણ લખવામાં આવ્યા જે બાદ સમગ્ર વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ તેજીથી વાયરલ પણ થયા હતા. સમગ્ર મામલે કેનેડામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં ભારે રોષની લાગણી હતી ત્યારે આ મામલે ભારતે પણ સત્તાવાર રીતે પોતાની વાંધો ઉઠાવ્યો છે અને કેનેડાની સરકારને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
કેનેડાના ઓટાવામાં સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા સમગ્ર મામલો ઉઠાવવામાં આવ્યો છે તથા કેનેડાની સરકારને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે કેનેડામાં સાંસદ સોનિયા સીધુએ સૌથી પહેલા આ મુદ્દે ખૂલીને અવાજ ઉઠાવ્યો હતો અને ટ્વિટ કરીને કહ્યું હતું કે આપણે એક બહુ-સાંસ્કૃતિક અને વિવિધ સંપ્રદાયને માનતા સમાજની વચ્ચે સુરક્ષાની સાથે રહીએ છીએ, જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. નોંધનીય છે કે સમગ્ર મામલે હાલ તો સોશ્યલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યા છે તેમાં ભીંત પર ખાલિસ્તાની લખાણ લખવામાં આવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.