ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી ધરપકડ કરવામાં આવી છે. દૂધસાગર ડેરીમાં રૂપિયા 320 કરોડના બોગસ વ્યવહાર મામલે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમ્યાન અનેક ગોટાળાઓ સામે આવ્યા છે.
સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત તપાસ ચાલી રહી હતી. ત્યારે બોગસ કંપનીઓ બનાવીને નાણાકીય ગેરરીતિ આચર્યા મામલે પોલીસે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવી રૂ. 320 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે.
આ મામલે મહેસાણા ACB પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ ફરિયાદ બાદ વિપુલ ચૌધરી અને તેમના CAની ધરપકડ કરાઈ છે. જોકે વિપુલ ચૌધરીના પુત્રની પણ આ મામલે સંડોવણી ખુલી શકે તેવી શક્યતા છે.
તેમણે ચૂંટણી આવતાની સાથે જ સક્રિય થઈને અર્બુદા સેનાની સ્થાપના કરી હતી અને ચૌધરી સમાજને એક કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તેમણે મહેસાણાની દુધસાગર ડેરીના ચેરમેન વિરૂદ્ધ પણ રણશિંગુ ફુક્યું હતું. આથી એમ લાગતું હતું કે, તેઓ 2022ની વિધાનસભા ચૂંટણી માટે સક્રિય થઈ રહ્યા છે.