હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અનુસાર, અમદાવાદમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસતા સવાર-સવારમાં અનેક વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સૌથી વધુ વરસાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં પડ્યો હતો. જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદ બંધ થઇ ગયો હોવા છતાં કેટલાક વિસ્તારોમાં પાણી નથી ઓસર્યા. શહેરમાં કેટલીક સ્કૂલોની બહાર પણ વરસાદના પાણી ભરાઇ જતા વાલીઓને બાળકોને સ્કૂલે મૂકવામાં ભારે પરેશાની ભોગવવી પડી છે. હાઈવે નં. 8ના સર્વિસ રોડ પર પણ ઢીંચણસમા પાણી ભરાઇ જતા વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના કારણે રાજ્યમાં હજુ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસશે. આજે રાજ્યના અનેક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે. રાજ્યમાં પોરબંદર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ આજે અમદાવાદ, કચ્છ, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, ડાંગ, સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા અને તાપીમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે.