રાજ્યના પોલીસ દળમાં જોડાઈને દેશસેવા કરવાનું અને ખાખી વર્દી પહેરવાનું સપનું જોતા લાખો યુવાનો માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગની 2,900થી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટેની ભરતી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 26 નવેમ્બર, 2026થી શરૂ થવા જઈ રહી છે. સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા અને ગ્રાઉન્ડ પર પરસેવો પાડી રહેલા ઉમેદવારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને તેમજ પોલીસ દળમાં માનવબળની ઘટ પૂરી થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને બિનહથિયારી અને હથિયારી કોન્સ્ટેબલની 1,000-1,000 તેમજ SRPFની 841 જગ્યાઓ હોવાથી બહોળા પ્રમાણમાં યુવાનોને સરકારી નોકરી મેળવવાની ઉજળી તક પ્રાપ્ત થશે. આ ઉપરાંત, ડ્રાઈવર, મિકેનિક અને મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર જેવી ટેકનિકલ જગ્યાઓ પર પણ ભરતી થવાની હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નવા દ્વાર ખુલ્યા છે.
26 નવેમ્બર, 2026થી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની હોવાથી ઉમેદવારોએ અત્યારથી જ પોતાના જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્રો, જાતિના દાખલા અને અન્ય દસ્તાવેજો તૈયાર રાખવા હિતાવહ છે. ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ શારીરિક કસોટી અને લેખિત પરીક્ષાના નિયમો અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવશે.
-કયા વિભાગમાં કેટલી જગ્યાઓ ભરતી
બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 1,000 જગ્યાઓ
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 1,000 જગ્યાઓ
SRPF કોન્સ્ટેબલ: 841 જગ્યાઓ
હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર અને મિકેનિક: 133 જગ્યાઓ
મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર: 26 જગ્યાઓ






