વિદેશ મંત્રાલયે શુક્રવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારઅજીત ડોભાલ અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના પૂર્વ વડા સામંત ગોયલને અમેરિકાની અદાલત દ્વારા મોકલવામાં આવેલા સમન્સને ફગાવી દીધા છે. ખાલિસ્તાન સમર્થક સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ દ્વારા દાખલ કરવામાં આવ્યું હતું. દિલ્હી સ્થિત અદાલતો મારફતે સમન્સ મોકલવાના અમેરિકી કોર્ટના આદેશ પૂછવામાં આવેલા સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે, ભારત આવા પાયાવિહોણા કેસોને ફગાવે છે.
અમેરિકાની ન્યૂયોર્કની સધર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટનાં જજ કેથરિન પોલ્ક ફૈલ્લાએ આ આદેશ આપ્યો છે. આ મામલો આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા દાખલ કરવામાં આવેલા સિવિલ કેસ સાથે સંબંધિત છે. અમેરિકી જિલ્લા અદાલતે ડોભાલ અને ગોયલને ન્યાયિક દસ્તાવેજો પહોંચાડવા માટે વૈકલ્પિક પદ્ધતિને મંજૂરી આપી છે. આ અંતર્ગત દિલ્હીની ત્રણ જિલ્લા અદાલતો- પટિયાલા હાઉસ, દ્વારકા અને તીસ હજારી મારફતે દસ્તાવેજો મોકલવાની વાત કરવામાં આવી છે. આ દસ્તાવેજો આંતરરાષ્ટ્રીય ટપાલ અથવા કુરિયર દ્વારા મોકલવા માટે કોર્ટના ક્લાર્કને સૂચના આપવામાં આવી છે.
અદાલતના જણાવ્યા અનુસાર, અગાઉ હેગ કન્વેન્શન હેઠળ ભારતના કેન્દ્રીય સત્તાધિકારી મારફતે સમન્સ મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને સ્વીકારવામાં આવ્યો નહોતો. ત્યારબાદ કોર્ટે હેગ કન્વેન્શનની કલમ 19 અને ભારતની સિવિલ પ્રોસિજર કોડ હેઠળ સમન્સ મોકલવાની વૈકલ્પિક પદ્ધતિને મંજૂરી આપી હતી. આદેશમાં જણાવાયું છે કે સિવિલ કેસમાં પ્રતિવાદીઓને કાયદેસરની નોટિસ પહોંચાડવાની પ્રક્રિયામાં સંબંધિત ભારતીય અદાલતો પાસેથી આદરપૂર્વક સહયોગની વિનંતી કરવામાં આવે છે.






