પાકિસ્તાનના પ્રથમ અવકાશયાત્રી મોહમ્મદ જીશાન અલી બુધવારે ચીનની મદદથી અવકાશ માટે રવાના થઈ ગયા છે. તેઓ ચીનના શેનઝોઉ-24 મિશનમાં સામેલ છે. આ મિશન સાથે તેઓ ચીનના તિયાંગોંગ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ વિદેશી અવકાશયાત્રી બની ગયા છે. સ્ટેશન પર તેઓ પાકિસ્તાન તરફથી પસંદ કરાયેલા 4 વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. ચીને તેમના ભોજનનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. તેમના માટે હલાલ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જીશાન સાથે ચીનના બે અવકાશયાત્રીઓ તાંગ હોંગબો અને વુ યી પણ ગયા છે.
તાંગ હોંગબો આ મિશનની કમાન સંભાળી રહ્યા છે. જીશાનની જવાબદારી વૈજ્ઞાનિક પ્રયોગો પૂર્ણ કરવાની રહેશે. તેઓ લગભગ એક અઠવાડિયા સુધી સ્પેસ સ્ટેશન પર રહેશે.પાકિસ્તાને આ મિશન માટે જીશાન અલી અને ખુર્રમ દાઉદની પસંદગી કરી હતી. બંનેએ ચીનમાં ઘણા મહિનાઓ સુધી તાલીમ લીધી. ત્યારબાદ જીશાનને મિશન માટે અંતિમ રીતે પસંદ કરવામાં આવ્યા, જ્યારે ખુર્રમને બેકઅપ અવકાશયાત્રી બનાવવામાં આવ્યા. બુધવારે સવારે જીશાન અલીએ ચીનના જિયુક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી ઉડાન ભરી. તેમને લોંગ માર્ચ-2એફ રૉકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યા.આ મિશન માટે પાકિસ્તાને ચીનની મદદ લેવી પડી, કારણ કે તેની પાસે મનુષ્યોને અવકાશમાં મોકલવા માટેનું પોતાનું રૉકેટ કે અવકાશયાન નથી. હવે જીશાન ચીની અવકાશયાત્રીઓ સાથે તિયાંગોંગ સ્પેસ સ્ટેશન પર મિશનનો ભાગ બનશે. પાકિસ્તાનના આયોજન મંત્રી અહસાન ઇકબાલે બંનેની પ્રશંસા કરી અને જીશાનને અભિનંદન પાઠવ્યા હતા.






